હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આંધ્ર પ્રદેશનું આર્થિક સંકટ: 365 દિવસમાંથી 357 દિવસ સરકાર લોનના સહારે, CAG રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
દૈનિક ખર્ચ કાઢવા માટે ₹1.72 લાખ કરોડનું તોતિંગ દેવું: રાજકોષીય ખાધ મર્યાદા વટાવીને 3.75% પર પહોંચતા અર્થતંત્ર સામે ગંભીર પડકાર, મફત યોજનાઓ પર ઉઠ્યા સવાલો

અમરાવતી:આંધ્ર પ્રદેશની આર્થિક સ્થિતિને લઈને કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) નો તાજેતરનો રિપોર્ટ રાજ્યના વહીવટીતંત્ર માટે લાલબત્તી સમાન છે. રિપોર્ટ અનુસાર, 2024-25ના નાણાકીય વર્ષ દરમિયાન આંધ્ર પ્રદેશ સરકારની આર્થિક ગાડી માત્ર લોનના પૈડાં પર દોડી રહી હતી. આખા વર્ષના 365 દિવસમાંથી સરકાર માત્ર 8 દિવસ જ એવી રહી જે લોન કે એડવાન્સ લીધા વિના પોતાનું લઘુત્તમ રોકડ બેલેન્સ જાળવી શકી હોય, બાકીના 357 દિવસ સરકારે દૈનિક કામગીરી માટે ઉધાર લેવા પડ્યા હતા. સરકારે કુલ ₹1.72 લાખ કરોડ જેવી માતબર રકમ ઉધાર લીધી, જેના કારણે રાજ્યની રાજકોષીય ખાધ નિર્ધારિત 2.7% ની મર્યાદાને ઓળંગીને 3.75% સુધી પહોંચી ગઈ છે.
CAG ના અહેવાલ મુજબ, આટલા મોટા પાયે લોન લેવા માટે સરકારે સ્પેશિયલ ડ્રોઇંગ સુવિધા, વેઝ એન્ડ મીન્સ એડવાન્સિસ અને ઓવરડ્રાફ્ટ જેવા વિકલ્પોનો સહારો લેવો પડ્યો હતો. માત્ર લોન લેવી જ નહીં, પરંતુ તેના પર કરોડો રૂપિયાનું વ્યાજ પણ રાજ્યની તિજોરી પર બોજ બની ગયું છે. આ પરિસ્થિતિ ત્યારે સર્જાઈ છે જ્યારે RBI અને સુપ્રીમ કોર્ટે અગાઉ જ રાજ્યોને તેમની 'ગેરંટી' કે 'મફત યોજનાઓ'ના ભયાનક આર્થિક પરિણામો વિશે ચેતવણી આપી હતી. મહિલાઓ માટે મફત બસ મુસાફરી, LPG સિલિન્ડર, અને માસિક આર્થિક સહાય જેવી લોકપ્રિય યોજનાઓએ રાજ્યના અર્થતંત્રને ગંભીર દબાણ હેઠળ મૂકી દીધું હોવાનું સ્પષ્ટ દેખાય છે.
બીજી તરફ, સત્તાધારી પક્ષના નેતાઓએ આ આર્થિક બોજ માટે પાછલી સરકારને જવાબદાર ઠેરવી છે. તેઓનો દાવો છે કે જૂન 2024 માં જ્યારે NDA સરકાર સત્તામાં આવી, ત્યારે તેમને વારસામાં જ ₹38,000 કરોડનું દેવું મળ્યું હતું, જેને ચૂકવવા માટે નવી સરકારે ફરજિયાત લોન લેવી પડી હતી. જોકે, આ આંકડાઓ રાજ્યની આર્થિક સ્થિરતા પર પ્રશ્નાર્થ ચિહ્ન જરૂર મૂકે છે. હવે જ્યારે રાજ્યની ખાધ સીમા વટાવી ગઈ છે, ત્યારે સરકાર આ મફત યોજનાઓને જાળવી રાખશે કે પછી તેમાં કોઈ ધરખમ કાપ મૂકશે, તે જોવું આગામી સમયમાં ખૂબ જ મહત્વનું બની રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
