હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પશ્ચિમ બંગાળમાં 'રાષ્ટ્રપતિના અપમાન'નો મુદ્દો ગરમાયો: દ્રૌપદી મુર્મુની પીડા પર વડાપ્રધાન મોદીની લાલઆંખ, TMC સરકાર પર કર્યા આકરા પ્રહાર
સંથાલ સંમેલનમાં વહીવટીતંત્રની લાપરવાહી સામે રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી વ્યથા, કહ્યું - 'બંગાળની પુત્રી હોવા છતાં આ વ્યવહાર કેમ?', રાજકીય ગરમાવો વધ્યો

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત દરમિયાન જે પ્રકારનું વહીવટી સંચાલન સામે આવ્યું છે, તેણે રાજકીય વાતાવરણમાં ભારે હોબાળો મચાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલન દરમિયાન કાર્યક્રમનું સ્થળ બદલી નાખવા અને સ્થાનિક જનતાને ત્યાં પહોંચતા રોકવા બદલ રાષ્ટ્રપતિએ જાહેરમાં પોતાની નારાજગી અને દુઃખ વ્યક્ત કર્યું હતું. રાષ્ટ્રપતિએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, વહીવટીતંત્રે જાણીજોઈને તેમને દૂરના સ્થળે લઈ જઈને સંથાલ સમુદાયથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીઓની ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા છે, જેના પર રાષ્ટ્રપતિએ દુઃખ સાથે જણાવ્યું કે, "હું પણ બંગાળની પુત્રી છું, છતાં મમતા દીદીએ મારી સાથે આવું કેમ કર્યું તે સમજાતું નથી."
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લોકશાહી અને આદિવાસી સમુદાયના સશક્તિકરણના માર્ગમાં એક શરમજનક ઘટના ગણાવી છે. સોશિયલ મીડિયા પર પ્રહાર કરતા વડાપ્રધાને લખ્યું કે, ટીએમસી સરકારે તમામ હદો વટાવી દીધી છે અને રાષ્ટ્રપતિ પદની ગરિમાને ઠેસ પહોંચાડી છે. વડાપ્રધાને ટીકા કરતા કહ્યું કે, સંથાલ સંસ્કૃતિ જેવા સંવેદનશીલ અને મહત્વપૂર્ણ મુદ્દાને જે રીતે આકસ્મિક રીતે લેવામાં આવ્યો છે, તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. રાષ્ટ્રપતિનું પદ રાજકારણથી પર હોય છે અને તેની ગરિમાનું રક્ષણ કરવું દરેક રાજ્ય સરકારની બંધારણીય જવાબદારી છે, જેમાં પશ્ચિમ બંગાળ સરકાર નિષ્ફળ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આ નિવેદન બાદ હવે રાજ્યની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. રાષ્ટ્રપતિનું આ દર્દ માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ આદિવાસી સમુદાયના અપમાન તરીકે જોવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના સ્થળની પસંદગી અને વહીવટી અવરોધોને કારણે આદિવાસીઓ કાર્યક્રમ સુધી પહોંચી ન શક્યા, તે મુદ્દો હવે ભાજપ માટે ટીએમસી સરકારને ઘેરવાનું મોટું હથિયાર બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળ સરકાર આ બાબતે શું સ્પષ્ટતા કરે છે અને શું આદિવાસી સમાજમાં ફેલાયેલો રોષ શાંત કરી શકે છે કે કેમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
