હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સર્વોચ્ચ પદનું અપમાન કે રાજકીય રણનીતિ? રાષ્ટ્રપતિ મુર્મુ અને મમતા બેનર્જી વચ્ચેનો વિવાદ વકર્યો
વડાપ્રધાન મોદીએ TMC સરકારને આડેહાથ લીધી, 'આદિવાસી ગરિમાનું અપમાન' ગણાવી સાધ્યું નિશાન: મમતા બેનર્જીનો વળતો પ્રહાર, કહ્યું - 'રાષ્ટ્રપતિના મંચનો ઉપયોગ ભાજપ કરે છે'

કોલકાતા:પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાતને લઈને શરૂ થયેલો વિવાદ હવે ગંભીર રાજકીય ટકરાવમાં પરિવર્તિત થયો છે. ઉત્તર બંગાળમાં આયોજિત સંથાલ સંમેલન દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેમના મંત્રીઓની ગેરહાજરી તથા કાર્યક્રમના સ્થળ બદલવાને લઈને રાષ્ટ્રપતિએ જાહેરમાં પોતાની પીડા વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ મમતા બેનર્જીને પોતાની "નાની બહેન" ગણાવીને પ્રશ્ન કર્યો હતો કે, શું તેઓ કોઈ બાબતે નારાજ છે? આ નિવેદન બાદ ભાજપના દિગ્ગજોએ આક્રમક વલણ અપનાવતા તેને આદિવાસી સમુદાય અને રાષ્ટ્રપતિ પદનું અપમાન ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાને 'શરમજનક અને અભૂતપૂર્વ' ગણાવીને તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢીને ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. મમતાએ સ્પષ્ટતા કરી છે કે કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું નહોતું અને રાષ્ટ્રપતિ સચિવાલયને અગાઉથી જ વ્યવસ્થાની ખામીઓ વિશે જાણ કરવામાં આવી હતી. મમતા બેનર્જીએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ રાજ્યને બદનામ કરવા માટે રાષ્ટ્રપતિ કાર્યાલયનો એક રાજકીય હથિયાર તરીકે દુરુપયોગ કરી રહી છે. તેમણે મણિપુર અને ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં આદિવાસીઓ પર થતા અત્યાચારનો મુદ્દો ઉઠાવીને રાષ્ટ્રપતિના મૌન પર પણ સવાલો ઉભા કર્યા છે, જે આ સમગ્ર મામલાને હવે દેશવ્યાપી રાજકીય ચર્ચામાં બદલી રહ્યો છે.
આ વિવાદ હવે માત્ર પ્રોટોકોલ કે કાર્યક્રમ પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ તે દેશની બે મહત્વની બંધારણીય અને રાજકીય શક્તિઓ વચ્ચેની આખરી લડાઈ જેવો બની ગયો છે. એક તરફ કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિની ગરિમા અને આદિવાસી અધિકારોના રક્ષણની દુહાઈ આપી રહી છે, તો બીજી તરફ મમતા બેનર્જી તેને ભાજપનું ચૂંટણીલક્ષી રાજકારણ ગણાવી રહ્યા છે. રાષ્ટ્રપતિનું પદ દેશનું સર્વોચ્ચ પદ છે, ત્યારે તેમની નારાજગી અને રાજ્ય સરકારનો બચાવ આ વિવાદને વધુ ગૂંચવી રહ્યો છે. હવે આંતર-પક્ષીય તણાવની આ ગતિવિધિઓ આગામી ચૂંટણીઓમાં કેવા પ્રકારના પ્રભાવ પાડે છે, તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
