હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તેલના દબાણ સામે ટ્રમ્પનું મોટું નિવેદન: ભારતને રશિયન ઓઈલની ખરીદી પર મળી અસ્થાયી રાહત, જાણો શું છે ગણિત
વૈશ્વિક ઉર્જા માર્કેટમાં તણાવ ઘટશે કે વધશે? રશિયન ઓઈલ પર અમેરિકાના વલણથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો, ભારતની સ્વતંત્ર નીતિનો પડઘો

નવી દિલ્હી:મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે વકરી રહેલા સંઘર્ષની સીધી અસર હવે વૈશ્વિક ઉર્જા બજાર પર જોવા મળી રહી છે. આ અસ્થિરતા વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની આપેલી અસ્થાયી છૂટ અંગે મહત્વનું સ્પષ્ટીકરણ આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, વૈશ્વિક સ્તરે તેલના ભાવ પર રહેલું દબાણ ઘટાડવા માટે આ રાહત આપવામાં આવી છે. ટ્રમ્પના મતે, અમેરિકા પોતે પણ ઓઈલના ઉત્પાદનમાં અગ્રેસર છે, પરંતુ હાલની કટોકટીમાં ઉર્જાનો પુરવઠો જળવાઈ રહે તે માટે તેઓ અન્ય દેશો માટે આ પ્રકારના લવચીત નિર્ણયો લેવા તૈયાર છે, જેથી તેલના ભાવમાં અચાનક મોટો ઉછાળો ન આવે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટના દાવા બાદ આ મુદ્દે ઘણો રાજકીય વિવાદ પણ જોવા મળ્યો હતો. બેસન્ટે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાના કહેવાથી રશિયન ઓઈલ ખરીદવાનું ઓછું કર્યું હતું, પરંતુ હાલની તેલની અછતને પહોંચી વળવા માટે તેમને કામચલાઉ છૂટ આપવામાં આવી છે. બીજી તરફ, ભારતીય સરકારી અધિકારીઓએ આ દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. ભારતનું વલણ સ્પષ્ટ છે કે, ભારતની ઉર્જા ખરીદી કોઈ અન્ય દેશના વહીવટીતંત્રના સૂત્રો કે પરવાનગી પર આધારિત નથી, પરંતુ તે સંપૂર્ણપણે રાષ્ટ્રીય હિતો અને જરૂરિયાતો દ્વારા નક્કી કરવામાં આવે છે. ભારતે હંમેશા પોતાની ઉર્જા સુરક્ષાને સર્વોપરી રાખીને કિંમત અને ઉપલબ્ધતાના આધારે નિર્ણયો લીધા છે.
આ સમગ્ર પ્રકરણમાં હવે રશિયા અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની અસર ભારતની વિદેશ નીતિ પર પણ જોવા મળી રહી છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ સમસ્યાઓ ખૂબ જ ઝડપથી ઉકેલાઈ જશે, પરંતુ પશ્ચિમ એશિયાની સ્થિતિ જોતા ભવિષ્યમાં પણ ઉર્જા સુરક્ષા એક મોટો પડકાર બની રહેશે. ભારત માટે આ પરિસ્થિતિ એક કસોટી સમાન છે, જ્યાં તેણે એક તરફ અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધો જાળવવાના છે અને બીજી તરફ રશિયા સાથેની ઉર્જા ભાગીદારીને પણ અકબંધ રાખવાની છે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવ અને રશિયન ઓઈલ પરના પ્રતિબંધોને લઈને લેવાતા નિર્ણયો ભારતીય અર્થતંત્ર માટે અત્યંત મહત્વના સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
