<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

બાંગ્લાદેશમાં ફરી હિન્દુઓ પર હુમલો: કોમિલાના મંદિર પર પેટ્રોલ બોમ્બ ફેંકાયા, પૂજારી સહિત ૩ ગંભીર રીતે ઘાયલ

બાંગ્લાદેશના કોમિલા શહેરમાં અજાણ્યા હુમલાખોરોએ કાલાગછીતલા મંદિરને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા

કોમિલા (બાંગ્લાદેશ) : બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય અને તેમના ધાર્મિક સ્થળો પર હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શનિવારે સાંજે બાંગ્લાદેશના કોમિલા શહેરમાં અજાણ્યા હુમલાખોરોએ કાલાગછીતલા મંદિરને નિશાન બનાવીને શ્રેણીબદ્ધ પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ ભયાનક વિસ્ફોટોમાં મંદિરના મુખ્ય પૂજારી સહિત કુલ ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે સાંજે (૭ માર્ચ) જ્યારે મંદિરમાં અને તેની આસપાસ લોકોની અવરજવર હતી, ત્યારે અચાનક હુમલાખોરોએ રસ્તા પર અને મંદિરના પરિસરને લક્ષ્ય બનાવી પેટ્રોલ બોમ્બ ફેંકવાનું શરૂ કર્યું હતું. આ હુમલામાં મંદિરના પૂજારી કેશવ ચક્રવર્તી અને અન્ય બે રાહદારીઓ દાઝી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે સ્થાનિક હિન્દુ સમુદાયમાં ભારે ફાળ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોમિલાના પોલીસ અધિક્ષક મોહમ્મદ અનિસુઝમાને ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, હુમલાખોરોને પકડવા માટે સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને મંદિરની આસપાસ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી અસ્થિર રાજકીય સ્થિતિ વચ્ચે હિન્દુ મંદિરો પર તોડફોડ અને હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે, જેને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(11:35 AM IST)