<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

મધ્ય-પૂર્વમાં 'મહાયુદ્ધ'નો ભડકો: તેહરાનમાં વિનાશક વિસ્ફોટો સાથે અમેરિકાની જમીની કાર્યવાહીના ભણકારા, રશિયાની એન્ટ્રીથી ખેલ થયો વધુ ખતરનાક

અમેરિકાની અત્યાધુનિક THAAD મિસાઈલ સિસ્ટમનો નાશ થતા વોશિંગ્ટન લાલઘૂમ: 1,300થી વધુ ઈરાની નાગરિકોના મોત બાદ યુદ્ધના મેદાનમાં જમીની સૈન્ય ઉતારવાની ટ્રમ્પની તૈયારી, વૈશ્વિક અર્થતંત્ર પર મંડરાયું મોટું સંકટ

અમદાવાદ:મધ્ય-પૂર્વમાં ચાલી રહેલું સંઘર્ષ હવે તેના સૌથી વિકરાળ સ્વરૂપમાં પ્રવેશ્યું છે. યુદ્ધના આઠમા દિવસે ઈરાનનું આકાશ શક્તિશાળી વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યું છે. ઈઝરાયલના પ્રચંડ હવાઈ હુમલામાં રિવોલ્યુશનરી ગાર્ડના 16 ફાઈટર જેટ્સના વિનાશ અને તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર લાગેલી આગે પરિસ્થિતિને બેકાબૂ બનાવી દીધી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઈરાને અમેરિકાની અત્યાધુનિક અને અજેય ગણાતી 'THAAD' મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને જોર્ડનમાં તોડી પાડી છે, જે અમેરિકા માટે એક મોટો વ્યૂહાત્મક ફટકો છે. આ ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હવે માત્ર હવાઈ હુમલા સુધી સીમિત રહેવાને બદલે જમીની સૈન્ય કાર્યવાહી (Ground Invasion) કરવાની ગંભીરતાથી વિચારણા કરી રહ્યા હોવાના અહેવાલ છે.

આ યુદ્ધમાં રશિયાની પરોક્ષ એન્ટ્રીએ સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે. અહેવાલો મુજબ, રશિયા યુએસ યુદ્ધ જહાજો અને લશ્કરી થાણાઓની ગુપ્ત સેટેલાઈટ છબીઓ અને માહિતી ઈરાનને પૂરી પાડી રહ્યું છે, જેથી ઈરાન ચોકસાઈપૂર્વક હુમલા કરી શકે. બીજી તરફ, દુબઈના મરિના ટાવર પર ડ્રોનનો કાટમાળ પડવો અને સાઉદી અરેબિયાના શાયબાહ ઓઈલ ફિલ્ડ પર ઈરાની ડ્રોન હુમલાના પ્રયાસો દર્શાવે છે કે આ યુદ્ધ હવે સમગ્ર અખાતી દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. કુવૈતે પોતાની તેલ નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જે વૈશ્વિક ઉર્જા માર્કેટમાં તોતિંગ ભાવવધારાનો સંકેત છે. ભારતીય વિદેશ મંત્રાલયે અત્યાર સુધીમાં 52,000 ભારતીયોને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવીને એક મોટી રાહતની કામગીરી પૂરી કરી છે.

આ ગંભીર સ્થિતિમાં વ્હાઇટ હાઉસના અધિકારીઓ ભલે સત્તાવાર રીતે વિકલ્પો ખુલ્લા રાખવાની વાત કરતા હોય, પરંતુ જમીની હકીકત એ છે કે ઈરાકી કુર્દીસ્તાનથી લઈને લેબનોન સુધી યુદ્ધનો વ્યાપ વધી રહ્યો છે. લેબનાન સરકારને પણ ઈઝરાયલે ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લાહ સામે પગલાં નહીં લેવાય તો લેબનોનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે. યુએઈના રાષ્ટ્રપતિના સંબોધને પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રદેશ એક એવા યુદ્ધના યુગમાં પ્રવેશી ચૂક્યો છે જ્યાંથી પરત ફરવું અત્યારે શક્ય જણાતું નથી. વિશ્વના સત્તાધીશો હવે એક એવા મોડ પર આવી ગયા છે જ્યાં આગામી 24 કલાકમાં લેવાનારા નિર્ણયો ત્રીજા વિશ્વયુદ્ધની દિશા નક્કી કરશે.

(11:43 AM IST)