હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનનું અર્થતંત્ર અને અસ્તિત્વ જોખમમાં: અમેરિકા-ઈઝરાયલનો અભૂતપૂર્વ હુમલો, ઓઈલ ડેપો અને વોટર પ્લાન્ટને ધ્વસ્ત કરી દીધા
યુદ્ધના 12મા દિવસે સૌથી મોટો લશ્કરી દાવ: તેલના ભંડારોની સાથે જીવનજરૂરી પાણી પુરવઠા પર હુમલાથી ઈરાનમાં હાહાકાર, હોર્મુઝ સ્ટ્રેટમાં ગમે ત્યારે ભડકો થવાની ભીતિ

સુરત:પશ્ચિમ એશિયામાં છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક વળાંક પર આવી ગયું છે. અમેરિકા અને ઈઝરાયલના ગઠબંધન દળોએ ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને આક્રમક હુમલો કર્યો છે, જેમાં ઈરાનની આશરે 30 જેટલી મુખ્ય તેલ સંગ્રહ સુવિધાઓને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરી દેવામાં આવી છે. યુદ્ધના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે જ્યારે ઈરાનના ઉર્જા માળખાને આટલા મોટા પાયે નિશાન બનાવવામાં આવ્યું હોય. આ હુમલા માત્ર ઈરાનના ઉર્જા ક્ષેત્રને જ નહીં, પરંતુ તેની અર્થવ્યવસ્થાને પણ લાંબા ગાળા માટે ગંભીર ફટકો પહોંચાડી શકે છે, જેની સીધી અસર આખા વિશ્વના ઓઈલ માર્કેટ પર પડવાની નિશ્ચિત છે.
સૌથી ચિંતાજનક બાબત ઈરાનના કેશ્મ ટાપુ પર સ્થિત ડિસેલિનેશન પ્લાન્ટ પર કરવામાં આવેલો હુમલો છે. ઈરાને આરોપ લગાવ્યો છે કે ગઠબંધન દળોએ માત્ર તેલ જ નહીં, પરંતુ સમુદ્રના પાણીને પીવાલાયક બનાવતા પ્લાન્ટ્સને પણ નિશાન બનાવ્યા છે, જેનાથી સામાન્ય નાગરિકો માટે જીવનજરૂરી પાણીનો પુરવઠો પણ જોખમમાં મુકાઈ ગયો છે. પીવાના પાણીના માળખા પર આ પ્રકારનો સીધો હુમલો માનવીય સંકટને વકરી શકે છે. આ હુમલાએ સમગ્ર પ્રદેશમાં તણાવને એવા સ્તરે પહોંચાડી દીધો છે જ્યાંથી પાછા ફરવું લગભગ અશક્ય જણાય છે.
આ સંઘર્ષ હવે વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે પણ મોટો ખતરો બની રહ્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે જો ઈરાન પોતાના ઉર્જા ઉદ્યોગને બચાવવા માટે વળતો જવાબ આપશે, તો તે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ એવા 'હોર્મુઝ સ્ટ્રેટ'માં લેન્ડમાઈન બિછાવી શકે છે અથવા ટ્રાફિક ખોરવી શકે છે. જો હોર્મુઝ સ્ટ્રેટનો ટ્રાફિક અટકે છે, તો વૈશ્વિક તેલના ભાવ આસમાને પહોંચશે અને વિશ્વભરમાં મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થશે. આ 12 દિવસની લશ્કરી કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે મધ્ય પૂર્વમાં આ યુદ્ધ હવે માત્ર બે દેશો વચ્ચેનું નથી રહ્યું, પરંતુ તે આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વની જીવનરેખાને પ્રભાવિત કરી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
