હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુદ્ધના રણમેદાનમાંથી 'ઘરવાપસી': ખાડી દેશોમાં ફસાયેલા 52,000 ભારતીયો હેમખેમ સ્વદેશ પરત
મિશન સુરક્ષિત ભારત: ઈરાન-અમેરિકા જંગ વચ્ચે એક જ અઠવાડિયામાં 52 હજાર ભારતીયોનું દિલધડક રેસ્ક્યૂ

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે છેડાયેલા ભીષણ જંગના કારણે સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ભારત સરકાર પોતાના નાગરિકોની સુરક્ષા માટે 'એક્શન મોડ'માં છે. વિદેશ મંત્રાલયે (MEA) જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ, ગત 1 માર્ચથી 7 માર્ચ દરમિયાન ખાડી દેશોમાં ફસાયેલા કુલ 52,000 થી વધુ ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે સ્વદેશ પરત ફર્યા છે.
આકાશ માર્ગ ખુલતા જ એરક્રાફ્ટનો ધમધમાટ
યુદ્ધના પ્રારંભિક દિવસોમાં એરસ્પેસ (હવાઈ માર્ગ) બંધ હોવાને કારણે હજારો મુસાફરો એરપોર્ટ્સ પર અટવાયા હતા. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં આંશિક રીતે હવાઈ માર્ગ ખુલતા જ ભારત સરકારે કોમર્શિયલ અને વિશેષ ફ્લાઈટ્સ દ્વારા ભારતીયોને લાવવાની પ્રક્રિયા તેજ કરી દીધી હતી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા મુજબ, પરત ફરેલા 52,000 લોકોમાંથી 32,107 મુસાફરો ભારતીય એરલાઈન્સ (એર ઈન્ડિયા, ઈન્ડિગો વગેરે) દ્વારા અને બાકીના વિદેશી એરલાઈન્સ દ્વારા ભારત પહોંચ્યા છે.
દૂતાવાસોમાં 24 કલાક હેલ્પલાઈન
દુબઈ, મસ્કત, રિયાધ અને જેદ્દાહ જેવા વ્યસ્ત એરપોર્ટ્સ પરથી ભારતીયોને લાવવા માટે હજુ પણ વધુ ફ્લાઈટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય દૂતાવાસોએ 24 કલાક કાર્યરત હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે અને નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું કડક પાલન કરવા તાકીદ કરી છે.
યુદ્ધની ભયાનકતા વચ્ચે હાશકારો
પરત ફરેલા મુસાફરોએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, "ત્યાં સ્થિતિ અત્યંત ગંભીર છે, ગમે ત્યારે મિસાઈલ હુમલા અને સાયરનનો અવાજ સંભળાતા ડરનો માહોલ હતો. પરંતુ ભારત સરકાર અને એરલાઈન્સના પ્રયાસોથી અમે સમયસર અને સુરક્ષિત રીતે પરિવાર પાસે પહોંચી શક્યા છીએ."









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
