<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ગુરુગ્રામમાં આતંક: હીરો હોન્ડા ચોક પર કાર શોરૂમમાં ફાયરિંગથી ખળભળાટ, કુખ્યાત 'ભાઉ ગેંગ'નો હાથ હોવાની આશંકા

શહેરની ભરચક વિસ્તારમાં બાઈક સવાર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કરીને ફેલાવ્યો દહેશતનો માહોલ: રાજસ્થાનના યુવાનને ઈજા, ગેંગસ્ટર અતુલ, દીપક અને નીરજ સહિતના શૂટર્સ સામે ગુનો દાખલ

ગુરુગ્રામ: ગુરુગ્રામના સેક્ટર 37 વિસ્તારમાં હીરો હોન્ડા ચોક નજીક આવેલા પોશ કાર શોરૂમ 'બિગ બોય ટોયઝ'ની બહાર શનિવારે સાંજે થયેલા અંધાધૂંધ ફાયરિંગથી સમગ્ર વિસ્તાર હચમચી ઉઠ્યો છે. સાંજનો સમય હોવાથી લોકોની અવરજવર વધુ હતી, ત્યારે જ બાઈક પર સવાર ત્રણ બદમાશોએ ત્રાટકીને ગોળીબાર કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આડેધડ ફાયરિંગમાં રાજસ્થાનના વતની રાજપાલ નામના યુવાનના હાથમાં ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની સ્થિતિ ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ દરમિયાન પોલીસને આ હુમલાના તાર કુખ્યાત 'ભાઉ ગેંગ' સાથે જોડાયેલા હોવાના મજબૂત સંકેતો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર 2024માં પણ આ ગેંગ દ્વારા શોરૂમના સંચાલકોને ધમકી આપવામાં આવી હતી, જેને પગલે પોલીસ આ ઘટનાને જૂની અદાવત અને ખંડણીના કેસ સાથે જોડીને તપાસ કરી રહી છે. પોલીસે આ કેસમાં ઝજ્જર જિલ્લાના કુલસી ગામના રહેવાસી અતુલ, દીપક અને નીરજ નામના ત્રણ બદમાશોની ઓળખ કરી લીધી છે. આ હુમલાખોરોને ઝડપી પાડવા માટે પોલીસની સ્પેશિયલ ટીમ દ્વારા અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરના વ્યસ્ત વિસ્તારમાં ગન કલ્ચર અને ગેંગસ્ટરોની સક્રિયતા સામાન્ય નાગરિકો માટે ચિંતાનો વિષય બની છે. પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરીને શૂટર્સના રૂટની તપાસ શરૂ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના પાછળનું મુખ્ય કારણ ખંડણી ઉઘરાવવાનું હોઈ શકે છે. હાલમાં વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આરોપીઓને ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ ધકેલવાની કવાયત તેજ કરી દેવામાં આવી છે.

(2:31 PM IST)