<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

મધ્ય પૂર્વમાં ભીષણ જંગ: ઈરાને ફૂંક્યું યુદ્ધનું રણશિંગું, 'આગામી 6 મહિના સુધી અમેરિકા-ઇઝરાયલને હંફાવીશું'

તેહરાનના ઓઈલ સ્ટોરેજ પર ઈઝરાયલનો પ્રચંડ બોમ્બમારો: સળગતા ઈંધણના ડેપોથી આકાશ લાલચોળ, રિવોલ્યુશનરી ગાર્ડ્સે 200થી વધુ અમેરિકી-ઇઝરાયલી ઠેકાણાઓને બનાવ્યા નિશાન

તેહરાન: મધ્ય પૂર્વના યુદ્ધના મેદાનમાં હવે સ્થિતિ અત્યંત વિસ્ફોટક બની છે. ઈરાનના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાના ઈઝરાયલી સેનાના આક્રમક અભિયાન બાદ, ઈરાને હવે છ મહિના સુધી લાંબુ યુદ્ધ લડવાની જાહેરાત કરીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. શનિવારે તેહરાન અને કરજ શહેરના ઓઈલ ડેપો પર ઈઝરાયલી વાયુસેના દ્વારા કરવામાં આવેલા ભીષણ બોમ્બમારાને પગલે આકાશમાં જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જે યુદ્ધની ગંભીરતા દર્શાવે છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે ઈરાન માટે હજુ અનેક ‘સરપ્રાઈઝ’ બાકી છે, જે સ્પષ્ટ કરે છે કે હુમલાઓનું પ્રમાણ હજુ વધવાનું છે.

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ રવિવારે સત્તાવાર નિવેદન જારી કરીને પોતાના મક્કમ ઈરાદા જાહેર કર્યા છે. પ્રવક્તા અલી મોહમ્મદ નૈનીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન કોઈપણ ભોગે અમેરિકા અને ઈઝરાયલ સામે હથિયાર હેઠાં નહીં મૂકે અને આગામી છ મહિના સુધી સતત તીવ્ર સંઘર્ષ ચાલુ રાખવા માટે પૂર્ણ સક્ષમ છે. રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે તેમણે અત્યાર સુધીમાં સમગ્ર વિસ્તારમાં ફેલાયેલા અમેરિકન અને ઈઝરાયલી સૈન્ય મથકો સહિત 200થી વધુ વ્યૂહાત્મક સ્થાનો પર સફળતાપૂર્વક મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે.

આ સંઘર્ષ હવે તેલના ભંડારો અને ઉર્જા સુરક્ષા સુધી પહોંચી ગયો હોવાથી વૈશ્વિક અર્થતંત્ર પર પણ તેની સીધી અસર વર્તાઈ રહી છે. એક તરફ ઈઝરાયલ ઈરાનના લશ્કરી માળખાને તોડી પાડવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી, તો બીજી તરફ ઈરાની સૈન્ય 'ઓપરેશન સ્પીડ' હેઠળ લાંબા ગાળાના સંઘર્ષ માટે પોતાની રણનીતિ બદલી રહ્યું છે. રસ્તાઓ, ઈંધણ સપ્લાય અને સૈન્ય ઠેકાણાઓ પરના સતત હુમલાઓએ મધ્ય પૂર્વને એક એવા દોર પર લાવીને મૂક્યું છે, જ્યાં શાંતિની તમામ વાટાઘાટો નિષ્ફળ સાબિત થઈ રહી છે. હવે દુનિયાની નજર આ 'છ મહિનાના યુદ્ધ'ની જાહેરાત પર ટકેલી છે.

(2:31 PM IST)