ગુરુગ્રામમાં મધ્યરાત્રિએ અગ્નિકાંડ: ચાલુ બસમાં ભીષણ આગ ફાટી નીકળતા મુસાફરોમાં મચી અફરાતફરી
સેક્ટર 12માં હરિયાણા રોડવેઝની બસ બની ધૂ-ધૂ કરતી જ્વાળામુખી: સમયસૂચકતાને કારણે મુસાફરોનો આબાદ બચાવ, ફાયરબ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ આગ પર મેળવ્યો કાબૂ

ગુરુગ્રામ: ગુરુગ્રામના સેક્ટર 12 વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક ગંભીર દુર્ઘટના બનતા માંડ બચી ગઈ હતી. રાત્રિના સમયે હરિયાણા રોડવેઝની એક પેસેન્જર બસમાં રહસ્યમય સંજોગોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં જ બસનો મોટાભાગનો હિસ્સો આગની લપેટમાં આવી ગયો હતો. સદનસીબે, ડ્રાઈવર અને કંડક્ટરની સમયસૂચકતાને કારણે તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા, જેનાથી એક મોટી જાનહાનિ ટળી હતી.
રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ જ્યારે આ ઘટના બની ત્યારે સ્થાનિકોએ આકાશમાં ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ જોઈને પોલીસ અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. ભીમ નગર ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર નરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બસમાં લાગેલી આ ભીષણ આગને કારણે વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું, પરંતુ મુસાફરોનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
હાલમાં પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને આ આગનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. વહીવટીતંત્ર દ્વારા બસના ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી સ્પષ્ટ કારણ જાણી શકાય. વારંવાર બનતી આવી ઘટનાઓ બાદ રોડવેઝની બસોના મેન્ટેનન્સ અને વાયરિંગ સિસ્ટમની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આગના કારણે ટ્રાફિક થોડો સમય માટે ખોરવાઈ ગયો હતો, પરંતુ બાદમાં પરિસ્થિતિને સામાન્ય કરી લેવામાં આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
