હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીમાં વડાપ્રધાન મોદીનો હુમલો: 'રાષ્ટ્રપતિનું અપમાન એટલે બંધારણનું અપમાન', TMC સરકાર પર ગંભીર આક્ષેપ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વડાપ્રધાને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે થયેલા કથિત પ્રોટોકોલ ભંગ અને કાર્યક્રમના સ્થળ ફેરફાર મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું: મમતા બેનર્જી સરકારને ગણાવી 'સત્તાના ઘમંડ'માં અંધ

દિલ્હીમાં આજે ₹33,500 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની TMC સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પવિત્ર પર્વ પર તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સન્માનમાં થયેલી કથિત અવગણનાનો મુદ્દો ઉઠાવી વિપક્ષને ભીંસમાં લીધા હતા. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આદિવાસી સમાજમાંથી આવતા દેશના પ્રથમ નાગરિકનું અપમાન કરવું એ માત્ર કોઈ વ્યક્તિનું નહીં, પરંતુ ભારતના બંધારણ અને દેશની લોકશાહીની મહાન પરંપરાનું અપમાન છે. તેમણે TMCના નેતૃત્વને ચેતવણી આપતા જણાવ્યું કે, સત્તાના નશામાં અંધ થયેલા લોકોનો ઘમંડ આખરે ચકનાચૂર થઈ જશે.
આ વિવાદનું મૂળ ઉત્તર બંગાળમાં આયોજિત 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં છે. અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિની મુલાકાતનું સ્થળ અચાનક બદલીને સુરક્ષા અને વ્યવસ્થાના કારણોસર ગોસૈનપુર ખસેડવામાં આવ્યું હતું, જેનાથી રાષ્ટ્રપતિએ પોતે નારાજગી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાની 'નાની બહેન' ગણાવીને આડકતરી રીતે પૂછ્યું હતું કે પ્રોટોકોલ હોવા છતાં રાજ્યના કોઈ પણ જવાબદાર મંત્રી તેમનું સ્વાગત કરવા કેમ ઉપસ્થિત ન રહ્યા. આ ઘટનાક્રમે હવે રાજકીય રંગ ધારણ કર્યો છે, જેમાં ભાજપ તેને આદિવાસી વિરોધી માનસિકતા ગણાવી રહી છે.
બીજી તરફ, મમતા બેનર્જી સરકારે ભાજપના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે તેમને આ કાર્યક્રમની કે રાષ્ટ્રપતિના આગમનની યોગ્ય જાણકારી જ આપવામાં આવી ન હતી. રાજકારણના આ ગરમાગરમ માહોલમાં હવે દેશનો આદિવાસી સમુદાય અને મહિલા વર્ગ આ ઘટનાને ગંભીરતાથી જોઈ રહ્યો છે. વડાપ્રધાનના નિવેદન બાદ હવે આ વિવાદ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે, જેનાથી બંગાળની રાજનીતિમાં આગામી સમયમાં ભારે ઉથલપાથલ થવાના સંકેતો મળી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
