<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ટ્રમ્પનો હુંકાર: "ઈરાની સૈન્ય હવે નામશેષ, રશિયા જો મદદ કરશે તો ગંભીર પરિણામ ભોગવશે"

"વિશ્વના શક્તિશાળી નેતા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો!"

વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે આક્રમક વલણ અપનાવતા એક ચોંકાવનારો દાવો કર્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકી સૈન્ય કાર્યવાહીમાં ઈરાનનું સૈન્ય માળખું લગભગ અસ્તિત્વ વિહોણું થઈ ગયું છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો રશિયા ઈરાનને મદદ કરવાનો પ્રયાસ કરશે તો તે તેમની સૌથી મોટી ભૂલ હશે.
ઈરાની સેનાનું અસ્તિત્વ જોખમમાં!
ટ્રમ્પે ઈરાની સૈન્ય ક્ષમતા પર થયેલા નુકસાનની વિગતો આપતા કહ્યું કે, "અમે ઈરાનના 44 નૌકાદળના જહાજો અને તેમના વાયુસેનાના દરેક વિમાનનો નાશ કર્યો છે. હવે તેમની પાસે હુમલો કરવાની ક્ષમતા રહી નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે ઈરાનના મિસાઈલ અને ડ્રોન ઉત્પાદન કેન્દ્રોને પણ ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે, જેના કારણે ઈરાની સેના હવે નબળી પડી ગઈ છે.
રશિયાને ખુલ્લી ચેતવણી
રશિયા ઈરાનને મદદ કરી રહ્યું છે કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું કે, "મને હાલમાં રશિયા દ્વારા કોઈ મદદના સંકેત મળ્યા નથી. પરંતુ જો રશિયા આવું કરી રહ્યું છે, તો તેઓ ખૂબ જ ખરાબ કામ કરી રહ્યા છે. ઈરાનની વર્તમાન સ્થિતિ અત્યંત ગંભીર છે અને ત્યાં કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ જોખમી સાબિત થઈ શકે છે."
તેલના ભંડાર પર અમેરિકાની પકડ
ઉર્જા ક્ષેત્રે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા પાસે તેલનો એટલો વિશાળ ભંડાર છે કે તેઓ વૈશ્વિક સ્તરે તેલના ભાવને નિયંત્રિત કરવાની શક્તિ રાખે છે. તેમણે કહ્યું કે, "અમારી પાસે દરિયામાં અને જમીનમાં અઢળક તેલ છે, જેનો ઉપયોગ અમે દબાણ ઓછું કરવા માટે કરી શકીએ છીએ."

(3:27 PM IST)