હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચીનનો ખતરનાક ‘ગોલ્ડન માસ્ટરપ્લાન’: દુનિયા યુદ્ધના મેદાનમાં વ્યસ્ત અને ડ્રેગન શાંતિથી સોનું ભેગું કરવામાં મસ્ત! શું વિશ્વ પર તોળાઈ રહ્યું છે આર્થિક સંકટ?
સતત 16 મહિનાથી ચીનની બેંકે સોનાની ખરીદી ચાલુ રાખી; ડોલરના વર્ચસ્વને ખતમ કરવા અને સંભવિત ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી માટે ચીને તિજોરીઓ ભરી દીધી!

બેઇજિંગ, તા.૦૮: જ્યારે રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધમાં આખી દુનિયાના દેશો હથિયારો પાછળ અંધાધૂંધ ખર્ચ કરી રહ્યા છે, ત્યારે ચીન અત્યંત ગુપ્ત રીતે પોતાની આર્થિક શક્તિ વધારી રહ્યું છે. ચીનની મધ્યસ્થ બેંક 'પીપલ્સ બેંક ઓફ ચાઈના' (PBOC) એ ફેબ્રુઆરીમાં પણ સોનાની જંગી ખરીદી જાળવી રાખી છે. આ સાથે ચીન દ્વારા સોનાના સંગ્રહનો સિલસિલો સતત 16મા મહિનામાં પ્રવેશ્યો છે, જે વૈશ્વિક અર્થશાસ્ત્રીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
તિજોરીમાં કેટલું સોનું? નવા આંકડાએ મચાવી ખળભળાટ
શનિવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ચીન પાસે રહેલું સોનું ફેબ્રુઆરીમાં 30,000 ટ્રોય ઔંસ વધીને કુલ 74.22 મિલિયન ફાઈન ટ્રોય ઔંસ પર પહોંચી ગયું છે. નવેમ્બર 2024 થી શરૂ થયેલો આ સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક તરફ રશિયા અને વેનેઝુએલા જેવા દેશો પોતાની જરૂરિયાતો માટે સોનું વેચી રહ્યા છે, ત્યારે ચીનનું આ રીતે સોનું એકઠું કરવું એ સંકેત આપે છે કે તે ભવિષ્યમાં ડોલર પરની નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવા માંગે છે.
વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે રોકાણકારોમાં ફફડાટ છે. આ જોખમી વાતાવરણમાં સોનું સુરક્ષિત રોકાણ ગણાય છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ફરી એકવાર $5,000 પ્રતિ ઔંસ ના સ્તરને વટાવી ગયું છે. નિષ્ણાતોના મતે, વર્ષ 2026 ના અંત સુધીમાં ચીન વિશ્વનો સૌથી મોટો ગોલ્ડ રિઝર્વ ધરાવતો દેશ બની શકે છે.
ચીનની આ રણનીતિ પાછળનું અસલી કારણ શું?
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ચીન માત્ર આર્થિક જ નહીં, પરંતુ સૈન્ય દૃષ્ટિકોણથી પણ તૈયારી કરી રહ્યું છે. જો ભવિષ્યમાં અમેરિકા સાથે કોઈ મોટું સૈન્ય સંકટ સર્જાય અને ચીન પર આર્થિક પ્રતિબંધો લાગે, તો આ સોનાનો ભંડાર તેની અર્થવ્યવસ્થાને ડૂબતી બચાવી શકે છે. જ્યારે વિશ્વ યુદ્ધની આગમાં હોમાઈ રહ્યું છે, ત્યારે ચીન ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ’ અપનાવીને વિશ્વની નંબર વન મહાસત્તા બનવાની દિશામાં મક્કમ ડગલાં ભરી રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
