<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

અમદાવાદમાં વર્લ્ડ કપનો ફીવર: આદ્યાત્મિક વક્તા જયા કિશોરી કોના ફેન છે? ફાઈનલ પહેલા ખોલ્યું દિલનું રાઝ; આ બે દિગ્ગજ ક્રિકેટરોના નામ લઈ પાઠવી શુભેચ્છાઓ!

"ટીમ ઈન્ડિયા પર દબાણ નહીં, અમારો સપોર્ટ છે..." અમદાવાદના સ્ટેડિયમમાં મેચ જોવા પહોંચેલા જયા કિશોરીએ જીત માટે કરી ખાસ પ્રાર્થના; સંજુ સેમસન અને ધોની વિશે કહી મોટી વાત

અમદાવાદ, તા.૦૮: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રમાઈ રહેલા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેના T20 વર્લ્ડ કપના ફાઈનલ જંગે આખા દેશને ક્રિકેટના રંગે રંગી દીધો છે. સામાન્ય જનતાથી લઈને સેલિબ્રિટીઓ સુધી દરેક વ્યક્તિ ટીમ ઈન્ડિયાની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ બધાની વચ્ચે જાણીતા આધ્યાત્મિક વક્તા અને મોટીવેશનલ સ્પીકર જયા કિશોરી પણ ખાસ મેચ જોવા માટે અમદાવાદ પધાર્યા છે. તેમની હાજરીએ સ્ટેડિયમમાં ભક્તિ અને ક્રિકેટનો અનોખો સંગમ સર્જ્યો છે.
ધોની ફેવરિટ છે, પણ સેમસનના ફોર્મથી પ્રભાવિત
મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે જયા કિશોરીને તેમના ફેવરિટ ક્રિકેટર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, "આમ તો મારા સૌથી ગમતા ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની છે, જે લાખો લોકોના પ્રેરણાસ્ત્રોત છે. પરંતુ હાલના ફોર્મની વાત કરીએ તો સંજુ સેમસન અત્યંત શાનદાર રમત રમી રહ્યા છે. હું સેમસન અને આખી ટીમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું."
"અમે દબાણ વધારવા નહીં, પણ સપોર્ટ કરવા આવ્યા છીએ"
જયા કિશોરીએ અત્યંત સકારાત્મક સંદેશ આપતા કહ્યું હતું કે, ફાઈનલ જેવી મોટી મેચમાં ખેલાડીઓ પર જીતનું ઘણું દબાણ હોય છે. "અમે અહીં ટીમને ચિયર-અપ કરવા આવ્યા છીએ, તેમના પર કોઈ દબાણ ઊભું કરવા નથી આવ્યા. મને પૂરો વિશ્વાસ છે કે આપણી ટીમ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને ભગવાનના આશીર્વાદથી ભારત ત્રીજી વાર T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતીને ઈતિહાસ રચશે. પરિસ્થિતિ ગમે તે હોય, દેશ હંમેશા પોતાની ટીમની સાથે ઉભો છે."
ન્યુઝીલેન્ડ સામેનો ઇતિહાસ બદલવાનો પડકાર
નોંધનીય છે કે ભારતે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને ધૂળ ચટાડીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જોકે, આંકડાકીય રીતે જોઈએ તો T20 વર્લ્ડ કપમાં ભારત ક્યારેય ન્યુઝીલેન્ડ સામે જીત્યું નથી. આ ઇતિહાસ બદલવા માટે આજે અમદાવાદના મેદાન પર જોરદાર ટક્કર જોવા મળશે. જયા કિશોરીએ પણ એ વાત પર ભાર મૂક્યો હતો કે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ એકજૂથ થઈને રમશે તો વિજય નિશ્ચિત છે.

(5:16 PM IST)