હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં આસ્થા પર પ્રહાર: કાલી મંદિરમાં આરતી ટાણે જ વિસ્ફોટ : માસ્કધારી 'રાક્ષસો'નો આતંક
કોમિલાના ઠાકુરપાડામાં શનિ પૂજા દરમિયાન બેગ છોડીને ભાગી ગયો હુમલાખોર: વિસ્ફોટમાં પૂજારી સહિત અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ પણ લઘુમતી હિન્દુઓ અને તેમના ધાર્મિક સ્થળો સુરક્ષિત નથી, જેનો તાજો પુરાવો કોમિલા ક્ષેત્રના બગાનબારીમાં જોવા મળ્યો છે. શનિવારે સાંજે જ્યારે કાલીગચ્છ તાલા કાલી મંદિરમાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક સાપ્તાહિક શનિ પૂજા અને આરતી કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક માસ્ક પહેરેલો હુમલો કરનાર હાથમાં શંકાસ્પદ બેગ લઈને અંદર ઘૂસી આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, આ શખ્સ બેગને મંદિરના મહત્વના ભાગ પાસે છોડીને પળવારમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. તેના ગયાની ગણતરીની મિનિટોમાં જ એક જોરદાર વિસ્ફોટ થયો, જેનાથી આખું મંદિર પરિસર ધણધણી ઉઠ્યું અને શ્રદ્ધાળુઓમાં ચીસાચીસ સાથે નાસભાગ મચી ગઈ હતી.
આ કાયરતાપૂર્ણ હુમલામાં મંદિરના ૪૮ વર્ષીય પૂજારી કેશવ ચક્રવર્તી ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હુમલાખોરોનો હેતુ માત્ર એક મંદિર સુધી મર્યાદિત નહોતો; આ અસામાજિક તત્વોએ નજીકમાં આવેલા બૌદ્ધ મંદિર અને એક ખાનગી ઓફિસ પાસે પણ ક્રૂડ બોમ્બ ફેંક્યા હતા, જેમાં અન્ય બે વ્યક્તિઓ લોહીલુહાણ થયા હતા. આરતીના સમયે મંદિરમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો હાજર હતા, જેઓ આ અચાનક થયેલા આતંકથી સ્તબ્ધ થઈ ગયા છે. સ્થાનિક હિન્દુ સમુદાયમાં આ ઘટનાને લઈને ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ધાર્મિક વિધિઓ દરમિયાન આ રીતે નિશાન બનાવવું એ સુરક્ષા વ્યવસ્થાની મોટી નિષ્ફળતા ગણાઈ રહી છે.
ઘટનાની જાણ થતા જ કોતવાલી મોડેલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. પોલીસ ઇન્ચાર્જ મોહમ્મદ તૌહિદુલ અનવરે પુષ્ટિ કરી છે કે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોર અને તેના સાથીદારોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મંદિર સમિતિના પ્રમુખ સજલ કુમાર ચંદાએ જણાવ્યું કે સાંજે ૦૬:૩૦ વાગ્યાનો આ સમય પૂજાનો મુખ્ય સમય હોય છે, અને આ જ સમયે હુમલો કરવો એ સુનિયોજિત કાવતરું હોઈ શકે છે. બાંગ્લાદેશમાં સતત વધી રહેલી આવી ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા જન્માવી છે, કારણ કે લઘુમતીઓ પરના અત્યાચારો અટકાવવામાં હાલની સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેમ જણાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
