<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

હોર્મુઝ સંકટ: નિકાસકારોને સરકારની 'માસ્ટર' રાહત: અટવાયેલો માલ પરત લાવવાની પ્રક્રિયા થઈ સરળ

મધ્ય પૂર્વમાં યુદ્ધના ભણકારે દરિયાઈ વેપાર ખોરવાતા કેન્દ્રનો મોટો નિર્ણય : હવે વધારાના કાગળકામ વગર જહાજો બંદરો પર કન્ટેનર ઉતારી શકશે અને શિપિંગ બિલ રદ કરી શકાશે

નવી દિલ્હી:   હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિને કારણે વૈશ્વિક જળમાર્ગો પર જોખમ વધ્યું છે, જેની સીધી અસર ભારતીય નિકાસકારો પર પડી રહી છે. ઘણા માલવાહક જહાજો ગંતવ્ય સ્થાને પહોંચી શકતા નથી અને તેમને અધવચ્ચેથી ભારત પરત ફરવાની ફરજ પડી રહી છે. આ કટોકટીમાં નિકાસકારોને આર્થિક નુકસાનથી બચાવવા માટે કેન્દ્ર સરકારે નિયમોમાં મોટી છૂટછાટ જાહેર કરી છે. હવે નિકાસકારોએ પરત ફરેલા કાર્ગો માટે જટિલ આયાત દસ્તાવેજો સબમિટ કરવા પડશે નહીં, જેનાથી પોર્ટ ટર્મિનલ્સ પર કન્ટેનર ઉતારવાની કામગીરી ઝડપી બનશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા જારી કરાયેલા નવા પરિપત્ર મુજબ, આ રાહત આગામી ૧૫ દિવસ સુધી અમલમાં રહેશે. સરકારની આ નવી સિસ્ટમ હેઠળ, જો કોઈ જહાજ માલ પહોંચાડ્યા વિના પરત આવે છે, તો તેનું શિપિંગ બિલ રદ કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ સુવિધા એક્સપોર્ટ જનરલ ડિક્લેરેશન (EGM) ફાઇલ થઈ ગયું હોય તો પણ ઉપલબ્ધ રહેશે. આ પ્રક્રિયાને ડિજિટલ બનાવવા માટે ભારતીય કસ્ટમ્સની ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ટૂંક સમયમાં નવા સુધારા ઉમેરવામાં આવશે, જેથી નિકાસકારોને બિનજરૂરી દંડ કે કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્તિ મળી શકે.

જોકે, પ્રક્રિયા સરળ બનાવવાની સાથે સરકારે સુરક્ષા અને ટેક્સના નિયમોમાં કોઈ બાંધછોડ કરી નથી. કસ્ટમ્સ અધિકારીઓ કન્ટેનરની સીલની કડક તપાસ કરશે અને જો સીલ તૂટેલી હશે તો સંપૂર્ણ ભૌતિક નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત, જે નિકાસકારોએ આ માલ પર IGST રિફંડ કે ડ્યુટી ડ્રોબેક જેવા સરકારી લાભો મેળવી લીધા છે, તેમણે તે રકમ પરત કરવી પડશે, કારણ કે ટેકનિકલી આ માલ ભારતની બહાર વેચાયો નથી. સરકારનો આ નિર્ણય મુશ્કેલ સમયમાં વેપારીઓને રોકડની તરલતા જાળવી રાખવા અને બંદરો પર માલનો ભરાવો અટકાવવા માટે લેવામાં આવ્યો છે.

(6:23 PM IST)