<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ઈરાનનો નવો 'સુપ્રીમ લીડર' કોણ? નામ રાખવામાં આવ્યું ગુપ્ત : ઈઝરાયેલે આપી ખુલ્લેઆમ મોતની ધમકી

આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સે ઉત્તરાધિકારી પર મહોર મારી: ઈઝરાયેલના રક્ષામંત્રી કાત્ઝે કહ્યું- "નામ ગમે તે હોય : અમારું નિશાન તૈયાર છે."

તેહરાન:  ઈરાનના રાજકીય આકાશમાં અત્યારે ભારે રહસ્ય અને સસ્પેન્સના વાદળો છવાયેલા છે. લાંબા સમય સુધી દેશની લગામ સંભાળનાર સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુ બાદ ઈરાનની શક્તિશાળી 'એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ' દ્વારા નવા નેતાની પસંદગી તો કરી લેવામાં આવી છે, પરંતુ તેમનું નામ જાહેર કરવાનું ટાળવામાં આવ્યું છે. આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશની સુરક્ષા અને સંભવિત હુમલાઓના ડરથી આ નામ તિજોરીમાં બંધ રાખવામાં આવ્યું છે. એસેમ્બલીના સભ્ય મોહસેન હૈદરીએ પુષ્ટિ કરી છે કે બહુમતીના આધારે સૌથી યોગ્ય ઉમેદવાર નક્કી થઈ ચૂક્યા છે, પરંતુ તે કોણ છે તે અત્યારે માત્ર મુઠ્ઠીભર લોકો જ જાણે છે.

બીજી તરફ, ઈરાનનું કટ્ટર હરીફ ઈઝરાયેલ આ ગુપ્તતાથી જરાય વિચલિત જણાતું નથી. ઉલટું, ઈઝરાયેલે આ સમાચાર બાદ અત્યંત આક્રમક વલણ અપનાવતા ઈરાનના નવા નેતાને સીધી ચેતવણી આપી દીધી છે. ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાન કાત્ઝે સ્પષ્ટ શબ્દોમાં લલકારતા કહ્યું છે કે, "તમે ગમે તે નામ પસંદ કરો, જો ઈરાન ઈઝરાયેલ વિરુદ્ધ દુશ્મનાવટ ચાલુ રાખશે તો તે નવા સર્વોચ્ચ નેતાનો અંત પણ નિશ્ચિત છે." ઈઝરાયેલની આ ધમકીએ તેહરાનમાં ફફડાટ ફેલાવી દીધો છે અને એવું માનવામાં આવે છે કે આ જ કારણસર ઈરાન પોતાના નવા 'ખલીફા'ની ઓળખ છુપાવી રહ્યું છે.

આ સંઘર્ષ હવે વ્યક્તિગત દુશ્મનાવટના સ્તરે પહોંચી ગયો હોય તેવું લાગે છે. મધ્ય પૂર્વના નિષ્ણાતો માને છે કે જો ઈરાન તેના નવા સર્વોચ્ચ નેતાનું નામ જાહેર કરશે, તો તે વ્યક્તિ ઈઝરાયેલના મોસાદ અને એરફોર્સના હિટ-લિસ્ટમાં ટોચ પર હશે. અત્યારે તેહરાન અને તેલ અવીવ વચ્ચેની આ 'માઈન્ડ ગેમ' વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ તરફ ઈશારો કરી રહી છે. ઈરાન તેની પરંપરા મુજબ સત્તાનું હસ્તાંતરણ ધાર્મિક વિધિઓ સાથે કરવા ઈચ્છે છે, પરંતુ ઈઝરાયેલના મિસાઈલો તે સમારોહમાં વિઘ્ન નાખવા માટે તૈયાર બેઠા છે.

(6:25 PM IST)