હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આકાશી જંગ વચ્ચે એર ઇન્ડિયાનો એર-લિફ્ટ પ્લાન: યુરોપ અને અમેરિકા માટે ૭૮ વધારાની ફ્લાઇટ્સની જાહેરાત
પશ્ચિમ એશિયામાં તણાવને કારણે મુસાફરોની હાલાકી દૂર કરવા એરલાઇન્સનો મોટો નિર્ણય : ૧૦ થી ૧૮ માર્ચ દરમિયાન ૧૭,૦૦૦થી વધુ બેઠકોનો ઉમેરો કરી કનેક્ટિવિટી જાળવી રાખશે

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે વૈશ્વિક હવાઈ ક્ષેત્રમાં મોટી અરાજકતા ફેલાઈ છે. અનેક દેશોના એરસ્પેસ બંધ થવાને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ થઈ રહી છે, ત્યારે એર ઇન્ડિયાએ મુસાફરોની મદદે આવતા ૧૦ માર્ચથી નવ વ્યૂહાત્મક રૂટ પર ૭૮ વધારાની ફ્લાઇટ્સ દોડાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યુરોપ અને અમેરિકા જેવા દેશોમાં અટવાયેલા અથવા ત્યાં જવા માંગતા મુસાફરોને વિશ્વસનીય અને સુરક્ષિત વિકલ્પ પૂરો પાડવાનો છે. આ નવી ફ્લાઇટ્સથી કુલ ૧૭,૬૬૦ વધારાની બેઠકો ઉપલબ્ધ થશે, જે મુસાફરીના વિકલ્પોની વર્તમાન અછતને પહોંચી વળવા માટે સંજીવની સમાન સાબિત થશે.
એર ઇન્ડિયાના આ 'રેસ્ક્યુ ઓપરેશન' સમાન પ્લાનમાં દિલ્હી અને મુંબઈથી લંડન, ન્યૂ યોર્ક (JFK), પેરિસ, ફ્રેન્કફર્ટ અને ઝ્યુરિચ જેવા મુખ્ય શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્રવાસન અને પડોશી દેશો સાથેના સંબંધો જાળવવા માલે (માલદીવ) અને કોલંબો (શ્રીલંકા) માટે પણ વધારાની ક્ષમતા ઉમેરવામાં આવી છે. ખાસ કરીને ન્યૂ યોર્કની ફ્લાઇટ્સ માટે કંપની તેના સૌથી શક્તિશાળી B777-300ER એરક્રાફ્ટનો ઉપયોગ કરશે, જ્યારે યુરોપિયન રૂટ પર B787-8 ડ્રીમલાઇનર દ્વારા સેવા આપવામાં આવશે. એર ઇન્ડિયાના ચીફ કોમર્શિયલ ઓફિસર નિપુણ અગ્રવાલે ખાતરી આપી છે કે જોખમી વિસ્તારોને ટાળીને સુરક્ષિત રૂટ દ્વારા કનેક્ટિવિટી જાળવી રાખવામાં આવશે.
નોંધનીય છે કે ૬ માર્ચે સાઉદી અરેબિયા અને ઓમાનના હવાઈ ક્ષેત્ર ફરીથી ખુલતા જેદ્દાહ અને મસ્કતની સેવાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં હજુ પણ જોખમ હોવાથી ૧૦ માર્ચ સુધી કેટલીક નિયમિત કામગીરી સ્થગિત રાખવામાં આવી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં જ્યારે અન્ય એરલાઇન્સ કામગીરી સકોરી રહી છે, ત્યારે ટાટા ગ્રુપની આ એરલાઇન્સ મુસાફરોની વિશ્વસનીયતા જીતવા માટે આક્રમક રીતે આગળ વધી રહી છે. આ વધારાની ફ્લાઇટ્સના કારણે ટિકિટના ભાવમાં થતા અસહ્ય વધારા પર પણ લગામ આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
