<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ખાર્ગ ટાપુ: વિશ્વ અર્થતંત્રનું એ 'ડેન્જર ઝોન' જ્યાં મિસાઈલો છોડતા અમેરિકા-ઈઝરાયેલના પણ હાથ ધ્રૂજે છે

ઈરાનના ૮૦% સંરક્ષણ કવચ નેસ્તનાબૂદ થયા છતાં આ ટાપુ કેમ અકબંધ? જો અહીં એક પણ વિસ્ફોટ થયો તો વૈશ્વિક તેલ બજારમાં આવશે મહાપ્રલય અને ચીન સીધું યુદ્ધમાં ઝંપલાવશે

તેહરાન:  મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિનાશક યુદ્ધના નવમા દિવસે ઈરાનનું સૈન્ય માળખું લગભગ ધરાશાયી થઈ ગયું છે. અમેરિકી અને ઈઝરાયેલી વિમાનોએ તેહરાનનું શહરાન ઇંધણ ડેપો બાળી નાખ્યું છે, મેહરાબાદ એરપોર્ટને ખંડેર બનાવી દીધું છે અને IRGCના મુખ્યાલયોમાંથી માત્ર કાળો ધુમાડો નીકળી રહ્યો છે. પરંતુ, આટલી ભીષણ બોમ્બમારો વચ્ચે પણ પર્સિયન ગલ્ફમાં આવેલો 'ખાર્ગ ટાપુ'  જાણે કોઈ જાદુઈ સુરક્ષા કવચમાં હોય તેમ એકદમ અસ્પૃશ્ય છે. આ કોઈ લશ્કરી નિષ્ફળતા નથી, પરંતુ વોશિંગ્ટન અને તેલ અવીવની એક અત્યંત મજબૂર વ્યૂહરચના છે. ખાર્ગ ટાપુ ઈરાનના અર્થતંત્રની કરોડરજ્જુ છે; ઈરાનનું ૯૦% થી વધુ ક્રૂડ ઓઈલ અહીંથી જ વિશ્વના બજારોમાં નિકાસ થાય છે. આ ટાપુને સ્પર્શ કરવો એટલે કે ઈરાનની રગ કાપવી, પણ એ રગ કાપતાની સાથે જ સમગ્ર વિશ્વના લોહી સમાન ગણાતા 'તેલ'નો પુરવઠો પણ સુકાઈ જશે.

વ્યૂહાત્મક રીતે જોઈએ તો, ખાર્ગ ટાપુ પર માત્ર જૂની થઈ ગયેલી 'HAWK' મિસાઈલ સિસ્ટમો તૈનાત છે, જે અમેરિકી એફ-૩૫ વિમાનો સામે મિનિટોમાં હાર માની લે તેવી નબળી છે. છતાં, ટ્રમ્પ અને નેતન્યાહૂએ આ ટાપુ તરફ મિસાઈલ તાકવાની હિંમત કરી નથી. તેનું મુખ્ય કારણ વૈશ્વિક તેલ બજારનું ગણિત છે. જો ખાર્ગના ટર્મિનલ પર હુમલો થાય, તો બજારમાંથી દરરોજ ૨ મિલિયન બેરલ તેલ ગાયબ થઈ જશે. નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે આવી સ્થિતિમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ રાતોરાત વધીને પ્રતિ બેરલ $૧૫૦ સુધી પહોંચી શકે છે. આ ભાવ વધારો માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં એવી મહામંદી લાવશે જે ૧૯૩૦ની મંદીને પણ પાછળ છોડી દેશે. કોઈ પણ અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના દેશમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચે અને જનતા રસ્તા પર ઉતરે તેવું જોખમ લેવા તૈયાર નથી.

વધુમાં, આ ટાપુની સુરક્ષા પાછળ 'ડ્રેગન' એટલે કે ચીનનો પડછાયો પણ રહેલો છે. ચીન પોતાની જરૂરિયાતનું દરરોજ ૧.૪ મિલિયન બેરલ તેલ ઈરાન પાસેથી આયાત કરે છે, જે મોટાભાગે ખાર્ગ ટાપુથી જ લોડ થાય છે. જો ઈઝરાયેલ આ ટાપુને નિશાન બનાવે, તો ચીન પાસે તેલના અભાવે પોતાની ફેક્ટરીઓ બંધ કરવાનો અથવા સીધા યુદ્ધમાં ઝંપલાવવાનો જ વિકલ્પ બચશે. ચીનનો પ્રવેશ એટલે કે ત્રીજું વિશ્વયુદ્ધ નિશ્ચિત બનવું. આથી જ, અમેરિકા અને ઈઝરાયેલની વ્યૂહરચના ઈરાનની સૈન્ય શક્તિને ભલે ભંગાર કરી નાખવાની હોય, પરંતુ તેની આર્થિક તિજોરીના આ મુખ્ય સ્ત્રોતને જીવંત રાખવાની તેમની મજબૂરી છે. ટૂંકમાં, વિશ્વના પેટ્રોલ પંપોને ચાલુ રાખવા માટે ઈરાનના આ ટાપુને સુરક્ષિત રાખવો એ આ યુદ્ધનો સૌથી મોટો અને કડવો વિરોધાભાસ છે.

(7:36 PM IST)