<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

માનવતા શરમાઈ: ખંડવામાં 90 વર્ષના વૃદ્ધા પર ચાર હેવાનોનો સામૂહિક અત્યાચાર, મોઢામાં કપડું ઠાંસી નરાધમોએ આચર્યું અમાનવીય કૃત્ય, લોહીલુહાણ હાલતમાં તરછોડી નાસી છૂટ્યા!

ખેતરની ઝૂંપડીમાં એકલતાનો લાભ લઈ બુકાનીધારી શખ્સોનો આતંક: વૃદ્ધાને કૂવામાં ફેંકી દેવાનો પણ થયો પ્રયાસ, ખાટલો લોહીથી ભીનો થયો તેવી સ્થિતિ જોઈ ગ્રામજનોના રૂંવાડા ઉભા થઈ ગયા

ખંડવા (પુનાસા): મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં માનવતા મરી પરવારી હોય તેવી એક અત્યંત નિંદનીય ઘટના સામે આવી છે. જિલ્લા મથકથી 70 કિલોમીટર દૂર પુનાસા વિસ્તારમાં ચાર બુકાનીધારી નરાધમોએ 90 વર્ષના એક નિસહાય વૃદ્ધા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને સમાજ અને તંત્રની સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા ઉડાડી દીધા છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ગમગીની ફેલાવી દીધી છે.
ભયાનક ક્રૂરતા અને અત્યાચાર
પીડિત વૃદ્ધા પોતાના ખેતરમાં બનેલી એક નાની ઝૂંપડીમાં એકલા રહીને જીવન વિતાવતા હતા. શુક્રવારની રાત્રે જ્યારે તેઓ ગાઢ નિદ્રામાં હતા, ત્યારે ચાર બુકાનીધારી બદમાશો ત્યાં ત્રાટક્યા હતા. વૃદ્ધા બૂમો ન પાડી શકે તે માટે હેવાનોએ તેમના મોઢામાં કપડું ઠાંસી દીધું હતું અને ત્યારબાદ અમાનવીય રીતે અત્યાચાર ગુજાર્યો હતો. આ હુમલામાં વૃદ્ધાના પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ પહોંચી છે, જે નરાધમોની નશાખોરી અને ક્રૂરતા દર્શાવે છે.
મોતને ઘાટ ઉતારવાનો પણ થયો પ્રયાસ
ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે આ હેવાનો વૃદ્ધાને લોહીલુહાણ હાલતમાં કૂવામાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા. જોકે, આસપાસના ખેતરોમાં લોકોની અવરજવર જણાતા પકડાઈ જવાની બીકે તેઓ વૃદ્ધાને ગંભીર હાલતમાં ત્યાં જ છોડીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આખી રાત આ વૃદ્ધ માજી વેદનાથી તડપતા રહ્યા હતા.
સવારે ગ્રામજનોએ જોઈ કમકમાટીભરી હાલત
શનિવારે સવારે જ્યારે ગ્રામજનો ઘાસચારો લેવા માટે ખેતર પાસે પહોંચ્યા ત્યારે આ ભયાનક સત્ય સામે આવ્યું. વૃદ્ધાનો આખો ખાટલો લોહીથી લથપથ હતો અને માજી બેભાન અવસ્થામાં હતા. તુરંત જ પોલીસ અને તેમની દીકરીને જાણ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ મહિલા પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે, જોકે તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
લોકરોષ અને પોલીસ તપાસ
આ ઘટનાને પગલે ગ્રામીણોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિતની દીકરીના જણાવ્યા અનુસાર, અગાઉ પણ અહીં ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ તંત્રની નિષ્ક્રિયતાને કારણે આજે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. પોલીસે અજાણ્યા નરાધમો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે. સ્થાનીકોની એક જ માંગ છે કે આ હેવાનોને પકડીને જાહેરમાં કડકમાં કડક સજા આપવામાં આવે.

(9:38 PM IST)