<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

અનિલ અંબાણીની મુશ્કેલીમાં તોતિંગ વધારો: PNB સાથે રૂ. 1,085 કરોડની છેતરપિંડી મામલે CBIની એન્ટ્રી

રિલાયન્સ કોમ્યુનિકેશન્સના માધ્યમથી બેંકોના નાણાં સગેવગે કરવાનો ગંભીર આરોપ; પંજાબ નેશનલ બેંક અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને અધધ રૂ. 1,085 કરોડનો ચૂનો લગાવવા બદલ અનિલ અંબાણી અને પૂર્વ ડિરેક્ટર્સ વિરુદ્ધ ગુનાહિત કાવતરાનો ફૌજદારી કેસ દાખલ

મુંબઈ: દેશના કોર્પોરેટ જગતમાં ફરી એકવાર મોટો ભૂકંપ આવ્યો છે. અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ રૂ. 1,085 કરોડના કથિત બેંક ફ્રોડ મામલે નવી FIR નોંધી છે. પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા કરવામાં આવેલી સત્તાવાર ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, અનિલ અંબાણી ઉપરાંત કંપનીના પૂર્વ ડિરેક્ટર મંજરી અશોક કક્કર અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડી અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ સામે આવતા જ બિઝનેસ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ફોરેન્સિક ઓડિટ દરમિયાન થયો હતો. વર્ષ 2013 થી 2017 ના સમયગાળા દરમિયાન રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અને બિઝનેસના બહાને મોટી લોન મેળવવામાં આવી હતી. જોકે, BDO ઈન્ડિયા LLP દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં એવું બહાર આવ્યું કે આ લોનના નાણાં જે હેતુ માટે લેવામાં આવ્યા હતા તેના બદલે અન્ય શંકાસ્પદ વ્યવહારોમાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. બેંકોએ તપાસમાં જાણ્યું કે કંપનીએ નિયમોનું ઉલ્લંઘન કરીને જાહેર જનતાના નાણાં સાથે રમત રમી હતી, જેના કારણે અંતે વર્ષ 2017 માં આ લોન ખાતાઓને 'એનપીએ' (NPA) જાહેર કરવા પડ્યા હતા.

આ છેતરપિંડીમાં પંજાબ નેશનલ બેંકને સીધું રૂ. 621.39 કરોડનું નુકસાન થયું છે, જ્યારે તેની સાથે વિલીન થયેલી યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાને રૂ. 463.80 કરોડનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. PNB ના ચીફ મેનેજર સંતોષકૃષ્ણ અન્નાવરાપુની ફરિયાદના આધારે CBI એ હવે ભારતીય દંડ સંહિતાની કલમ 120B અને 420 તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં આ મામલે મુંબઈ સ્થિત રિલાયન્સના ઠેકાણાઓ પર તપાસનો ગાળિયો વધુ કસાય તેવી પ્રબળ શક્યતા છે.

(10:18 PM IST)