<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

મધ્યપૂર્વમાં અમેરિકાની સુરક્ષા વ્યવસ્થા પર ઈરાનનો વજ્રઘાત: મિસાઈલ ડિટેક્શન સિસ્ટમનો ખાતમો બોલાવી 'ટ્રુ પ્રોમિસ' ઓપરેશનને આપ્યું ગંભીર વળાંક

અમેરિકાના રડાર નેટવર્કને ધૂળ ચટાડી ઈરાનનું તાંડવ: ગલ્ફ દેશોમાં અમેરિકી સૈન્ય મથકોની મિસાઈલ ડિટેક્શન સિસ્ટમ અને વેપન સિસ્ટમ સંપૂર્ણપણે તબાહ, ટ્રમ્પની સુરક્ષા સામે ઊભો થયો મોટો પડકાર

તેહરાન:મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો વચ્ચે ઈરાને અમેરિકાની લશ્કરી તાકાતને મોટો આંચકો આપ્યો છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા સંચાલિત 'ટ્રુ પ્રોમિસ' ઓપરેશનના ભાગરૂપે ગલ્ફના છ દેશોમાં અમેરિકાની પાયાની લશ્કરી સુવિધાઓને નિશાન બનાવીને તેને નેસ્તનાબૂદ કરી દેવામાં આવી છે. સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, જોર્ડન, કુવૈત અને બહેરિનમાં અમેરિકી સૈન્યના રડાર અને મિસાઈલ ડિટેક્શન સિસ્ટમનો સફાયો બોલાવતા આ વિસ્તારમાં અમેરિકાની હવાઈ સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઈરાનના આ આક્રમક હુમલાને કારણે હવે અમેરિકાની જાસૂસી અને વોર્નિંગ સિસ્ટમ પણ નિષ્ક્રિય થઈ ગઈ છે, જે અમેરિકી પ્રશાસન માટે મોટી ચિંતાનો વિષય બની છે.

ઈરાન હવે આક્રમક મુદ્રામાં છે અને તેનો સ્પષ્ટ ઈરાદો અમેરિકાની સુરક્ષા છત્રને તોડી પાડવાનો છે. નિષ્ણાતોના મતે, ઈરાની ડ્રોન અને મિસાઈલ અભિયાનને ટ્રેક કરવું હવે અમેરિકા માટે અશક્ય બની ગયું છે, કારણ કે ઈરાને વ્યૂહાત્મક રીતે રડાર સિસ્ટમને જ નિશાન બનાવી છે. ઈરાનના સુરક્ષા પ્રમુખ અલી લારીજાનીએ આ હુમલાઓને ગંભીર ગણાવતા ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે તેમણે આ આક્રમણની ભારે કિંમત ચૂકવવી પડશે. બીજી તરફ, ટ્રમ્પ આ ધમકીઓને નકારી રહ્યા છે અને તેને માનસિક યુદ્ધનો એક ભાગ ગણાવી રહ્યા છે, પરંતુ જમીની વાસ્તવિકતા એ છે કે ગલ્ફ દેશોમાં સ્થિત અમેરિકી સંપત્તિઓ હવે પહેલા જેટલી સુરક્ષિત રહી નથી.

આ ઘટનાક્રમ માત્ર આકાશ કે જમીન પૂરતો સીમિત નથી, પરંતુ ઈરાને હવે સમુદ્રી માર્ગે પણ અમેરિકી સૈન્ય પર દબાણ વધાર્યું હોવાના દાવા કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાણ છતાં ઈરાને પોતાની મહત્ત્વાકાંક્ષાઓ છોડવાને બદલે મધ્યપૂર્વમાં અમેરિકી પ્રભુત્વને સીધો પડકાર ફેંક્યો છે. ઈરાન દ્વારા કરવામાં આવેલી આ સર્જિકલ સ્ટ્રાઈક અને સિસ્ટમેટિક હુમલાઓ એ વાતની સાબિતી છે કે મધ્યપૂર્વમાં સત્તાનું સંતુલન ઝડપથી બદલાઈ રહ્યું છે. હવે દુનિયાની નજર તે તરફ છે કે શું અમેરિકા આ હુમલાઓનો વળતો જવાબ આપશે કે પછી વધતા તણાવને જોતા કોઈ નવી રણનીતિ અપનાવશે.

(10:43 PM IST)