<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ભારતમાં અબજોપતિઓની સંખ્‍યા વધીને ૩૦૮ થઈ

અબજોપતિઓના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબરેઃ ભારતમાં સૌથી વધુ ૯૫ અબજોપતિ મુંબઈમાં : મુકેશ અંબાણી એશિયાની સૌથી ધનાઢય વ્‍યક્‍તિઃ કુલ સંપત્તિ ૯ ટકા વધીને ૯.૮ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ

મુંબઈ,તા.૯: દર વર્ષે વિશ્વના સૌથી ધનાઢ્‍ય લોકોની વાર્ષિક યાદી બહાર પાડતી હુરુન રિસર્ચ ઇન્‍સ્‍ટિટ્‍યૂટનું ૨૦૨૬નું રિચ-લિસ્‍ટ બહાર પડી ચૂક્‍યું છે. આ લિસ્‍ટમાં પહેલી વાર દુનિયાભરના ૪૦૨૦ અબજોપતિને સામેલ કરવામાં આવ્‍યા છે, જે ગયા વર્ષ કરતાં ૧૭ ટકા અને સંખ્‍યામાં ૫૭૮ જેટલા વધુ છે. ડેટા પરથી જોઈ શકાય છે કે વધી રહેલા ઇન્‍ડેક્‍સમાં સ્‍ટોકમાર્કેટના મજબૂત પર્ફોર્મન્‍સે અબજોપતિઓની કુલ સંપત્તિમાં ૨૮ ટકાનો જબરદસ્‍ત વધારો કર્યો છે.

ભારતમાં અબજોપતિઓની સંખ્‍યા ગયા વર્ષ કરતાં ૨૪ વધીને ૩૦૮ થઈ છે જે મજબૂત વેલ્‍થ-ક્રીએશન અને લગાતાર આર્થિક મજબૂતાઈની ગતિ બતાવે છે. અબજોપતિઓની સંખ્‍યાના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર આવી ગયું છે અને હવે એ ચીન અને અમેરિકાથી જ પાછળ છે. સૌથી વધુ ૧૧૧૦ અબજોપતિ ચીનમાં છે, જ્‍યારે અબજોપતિઓની કુલ સંપત્તિના મામલે અમેરિકા નંબર વન છે.

ભારતમાં સૌથી વધુ ૯૫ અબજોપતિ મુંબઈમાં છે. જોકે મુંબઈએ એશિયાની અબજોપતિઓની રાજધાનીનો દરજ્‍જો ગુમાવી દીધો છે, કેમ કે આ વખતે ૧૩૩ અબજોપતિઓ સાથે ચીનનું શેન્‍ઝેન શહેર બાજી મારી ગયું છે.

ભારતીય અબજોપતિઓમાં ૭ ટકા મહિલાઓ પણ છે. હુરુન રિચ-લિસ્‍ટ ૨૦૨૬ અનુસાર ભારતીય અબજોપતિઓની સરેરાશ સંપત્તિ ૩૬,૫૭૦ કરોડ રૂપિયા છે, જે ચીની અબજોપતિઓની સરેરાશ સંપત્તિ કરતાં વધુ છે.

ભારતમાં ટોપ ફાઇવ

મુકેશ અંબાણીએ માત્ર ભારતની જ નહીં, એશિયાની સૌથી અમીર વ્‍યક્‍તિનો ખિતાબ જાળવી રાખ્‍યો છે. ગયા વર્ષ કરતાં તેમની કુલ સંપત્તિ ૯ ટકા વધીને ૯.૮ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગૌતમ અદાણી બીજા નંબરના સૌથી અમીર ભારતીય છે. તેમની સંપત્તિ ૭.૫ લાખ કરોડ રૂપિયા છે.

HCL ટેક્રોલોજીઝનાં રોશની નાડર મલ્‍હોત્રા અને તેમનો પરિવાર ૩.૨ લાખ કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્‍થાને છે જે ભારતના ટોપ ૧૦ અમીરોની યાદીમાં એકમાત્ર મહિલા છે.

ચોથા નંબરે સીરમ ઇન્‍સ્‍ટિટ્‍યૂટના સાયરસ પૂનાવાલા અને પાંચમા નંબરે આદિત્‍ય બિરલા ગ્રુપના કુમાર મંગલમ બિરલા છે

(10:05 AM IST)