<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

પ્રેમીને જેલમાંથી છોડાવવા પ્રેમિકા મોબાઈલ ટાવર પર ચઢી

પ્રેમમાં પાગલ પ્રેમિકા! પોલીસે પ્રેમી પવન ચૌહાણને કસ્‍ટડીમાં લેતા જ પ્રેમિકાનો પિત્તો ગયોઃ પ્રેમીને મુક્‍ત કરો નહીંતર નીચે કૂદીશ ટાવર પર ચઢી યુવતીએ મચાવ્‍યો હોબાળો : ગામના લોકો અને પોલીસની કલાકોની સમજાવટ બાદ પણ યુવતી રહી અડગ સુરક્ષિત રેસ્‍ક્‍યુ બાદ પોલીસે બંને પક્ષો વચ્‍ચે મધ્‍યસ્‍થી કરી તપાસ શરૂ કરી

ગોપાલગંજ તા.૯: બિહારના ગોપાલગંજ જિલ્‍લામાંથી ફિલ્‍મી સ્‍ટાઈલનો એક કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે. અહીં એક યુવતી તેના પ્રેમીને પોલીસ કસ્‍ટડીમાંથી મુક્‍ત કરવાની માંગ સાથે હાઈ-વોલ્‍ટેજ મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્‍તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્‍યામાં લોકો ઘટનાસ્‍થળે એકઠા થઈ ગયા હતા.

આ ઘટના ગોપાલગંજ જિલ્‍લાના બેંકટા (Bankata) વિસ્‍તારની છે. મળતી માહિતી મુજબ, યુવતી અને તેનો પ્રેમી પવન ચૌહાણ બંને એક જ વિસ્‍તારના રહેવાસી છે. થોડા દિવસો પહેલા યુવતી અચાનક ઘરેથી ગાયબ થઈ ગઈ હતી, જેના કારણે તેના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે શંકાના આધારે પ્રેમી પવન ચૌહાણને પૂછપરછ માટે કસ્‍ટડીમાં લીધો હતો.

જ્‍યારે યુવતીને ખબર પડી કે પોલીસે તેના પ્રેમીને પકડી લીધો છે, ત્‍યારે તે ગુસ્‍સે થઈ ગઈ હતી અને વિરોધ નોંધાવવા ગામ પાસેના મોબાઈલ ટાવર પર ચઢી ગઈ હતી. તેણે સ્‍પષ્ટ ચીમકી આપી હતી કે જ્‍યાં સુધી પવનને મુક્‍ત કરવામાં નહીં આવે ત્‍યાં સુધી તે નીચે ઉતરશે નહીં. યુવતી ટાવરની ટોચ પર પહોંચી જતા લોકોના જીવ તાળવે ચોંટ્‍યા હતા. ઘણા લોકો તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તો કેટલાક આ ડ્રામાનો વીડિયો ઉતારવામાં વ્‍યસ્‍ત હતા.

ઘટનાની જાણ થતા જ સ્‍થાનિક પોલીસ કાફલો ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો. કલાકોની સમજાવટ છતાં યુવતી ટસની મસ ન થતા, આખરે પોલીસે પરિસ્‍થિતિ સંભાળવા પ્રેમી પવન ચૌહાણને ટાવર પાસે બોલાવ્‍યો હતો. પવનને નજર સામે જોતા જ યુવતી શાંત પડી હતી અને ધીમે ધીમે નીચે ઉતરવા સંમત થઈ હતી. પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્‍યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

(10:20 AM IST)