News of Monday, 9th March 2026
ચક દે...ટીમ ઈન્ડિયા ફરી બની ટી૨૦ની બાદશાહ
ભારતીય સિંહોની ગર્જનાથી આખું વિશ્વ ગુંજી ઉઠયું : ઘર આંગણે ટી૨૦ વર્લ્ડકપ જીતનાર પ્રથમ દેશઃ ઉપરાઉપરી બીજી વખત અને કુલ ત્રણ ટી૨૦ વર્લ્ડકપ જીતી રેકોર્ડ સર્જયો પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનતો સંજુ સેમસનઃ દેશભરમાં જશ્નનો માહોલ

અમદાવાદઃ ભારતે ટી-૨૦ વર્લ્ડ કપ સતત બીજી વખત જીતતા ન્યુઝીલેન્ડને સાવ એકતરફી ફાઈનલમાં ૯૬ રનથી પરાજય આપ્યો હતો. ભારતે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સંજુ સેમસનના ૪૬ બોલમાં પાંચ ચોગ્ગા, આઠ છગ્ગા સાથેના ૮૯ રનની ઇનિગ અને બુમરાહની ચાર, અક્ષર પટેલની ૩ વિકેટની મદદથી આ વિજય મેળવ્યો હતો. ભારતના ૨૦ ઓવરોમાં પાંચ વિકેટે ૨૫૫ રન સામે ન્યુઝીલેન્ડ ૧૯ ઓવરોમાં ૧૫૯ રને ઓલ આઉટ થયું હતું. ભારતને ચેમ્પિયન બનવા બદલ રૂપિયા ૨૭ કરોડનું ઇનામ મળશે.
ભારત આ સાથે સતત બે વખત ટી-૨૦ વર્લ્ડ ચેમ્પિયન બનનાર પ્રથમ ટીમ બની છે. તેવી જ રીતે કુલ ત્રીજી વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતનાર પણ ક્રિકેટ વિશ્વની પ્રથમ ટીમ બની છે. ભારતે ૨૦૦૭, ૨૦૨૪ અને ૨૦૨૬માં આ સાથે ટી-૨૦ વર્લ્ડ કપ જીત્યો છે અને ત્રીજો રેકોર્ડ તે રીતે પણ સર્જાયો કે ઘરઆંગણે ટી-૨૦ વર્લ્ડ કપ જીતનાર પણ ભારત પ્રથમ ટીમ બની છે.ભારત માટે સતત ત્રીજી મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનતા સંજુ સેમસને ૪૬ બોલમાં પાંચ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે ૮૯ રનની આક્રમક ઇનિગ ૧૯૩.૪૭ના સ્ટ્રાઇક રેટ સાથે રમી હતી. અભિષેક શર્માએ ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલના ફાસ્ટેસ્ટ ફીફટી (૧૮ બોલમાં) તેમજ ઇશાન કિશાને ૫૪ રનનું યોગદાન આપ્યું હતું.
ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે ટોસ જીતીને પ્રથમ બોલિગ લીધી હતી અને ન્યુઝીલેન્ડે કલ્પના પણ નહીં કરી હોય તેમ ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્માએ વિસ્ફોટક પ્રારંભ કર્યો હતો. ૪ ઓવરના અંતે જ ભારતે વીના વિકેટે ૫૧, પાંચ ઓવરના અંતે ૭૨ અને પાવર પ્લેની ૬ ઓવરમાં જ ૯૨ રન ફટકારી જંગી સ્કોરનો પાયો નાંખ્યો હતો. ઇનિગની ૬ઠ્ઠી ઓવરમાં ડફીની ઓવરમાં અભિષેક શર્માએ બે છગ્ગા બે ચોગ્ગા સાથે ૨૦ રન ઝૂડયા હતા. અભિષેક શર્માએ ૨૧ બોલમાં ૬ ચોગ્ગા, ૩ છગ્ગા સાથે ૫૨ રન કર્યા હતા. તે ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી ફાસ્ટેટ ૫૦ રન (૧૮ બોલમાં) ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. ૭.૧ ઓવરમાં ૯૮ રને ભારતે પહેલી વિકેટ અભિષેકની ગુમાવી હતી. જો કે ન્યુઝીલેન્ડને રાહત થવાની જગાએ સેમસન અને ઇશાન કિશને મુસીબત વધારી હતી. બંનેએ બીજી વિકેટની ૧૦૫ રનની ભાગીદારી આઠ ઓવરમાં નોંધાવી હતી. સેમસન ૪૬ બોલમાં ૮૯ રન બનાવી બીજી વિકેટ તરીકે ૧૫.૧ ઓવરમાં ૨૦૩ રનના કુલ સ્કોરે આઉટ થઇ ગયો હતો.
આમ મહાકાય પર્વત જેવું દબાણ સર્જતા ૨૫૫ રનનો સ્કોર ૨૦ ઓવરના અંતે પાંચ વિકેેટે ખડક્યો હતો.
ભારતના ચાહકોને થોડો ભય જરૂર હતો કે સેમી ફાઈનલમાં ૨૫૪નો પડકાર ઝીલતા ઇંગ્લેન્ડ ૨૪૬ રન સુધી પહોંચી માત્ર સાત રને હાર્યું હતું તેના કરતા સારૂ રમીને ન્યુઝીલેન્ડ અપસેટ તો નહીં સર્જે ને. પરંતુ ભારતીય બોલરોએ પણ રંગ રાખ્યો હતો. બુમરાહ ૪, અક્ષર ૩, હાર્દિક-વરૂણ અને અભિષેકે ૧-૧ વિકેટ લીધી હતી.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
