News of Monday, 9th March 2026
ભકિતનગર રેલ્વે સ્ટેશન ઉપર મેગા ડીમોલીશનઃ ૩૫૦ ઝુંપડા હટાવાયા
દેશભરમાં મોડેલ સ્ટેશન તરીકે વિકસીત થઇ રહેલા સ્ટેશનોમાં રાજકોટનું ભકિતનગર રેલ્વે સ્ટેશન સમાવિષ્ટ : જંગલેશ્વરમાં ગેરકાયદે દબાણો હટાવાયા બાદ લક્ષ્મીનગર અન્ડરબ્રીજથી રેલ્વેની જગ્યામાં વર્ષોથી થયેલી ઘૂસણખોરી દૂર કરવા માટે સવારથી રેલ્વેના એન્જિનીયરીંગ વિભાગ, રેલ્વે પ્રોટેકશન ફોર્સ, જીઆરપી અને સીટી પોલીસનો ૨૫૦થી વધુનો કાફલો તૈનાતઃ રાજયભરમાં રેલ્વેની જગ્યાઓ ઉપર થયેલા દબાણો તબક્કાવાર દૂર કરવાનો ગોઠવાતો તખ્તો

રાજકોટઃ લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રિજથી લોહાનગર તરફના રસ્તા ઉપર રેલ્વેની જગ્યામાં વર્ષોથી થયેલા દબાણને હટાવવાની કામગીરી આજે સવારથી હાથ ધરવામાં આવી હતી. બપોર સુધીમાં ગેરકાયદે ઉભા થયેલા ઝુંપડા અને ઝુંપડા બચાવવાના નિરર્થક પ્રયાસરૂપે ઉભા થયેલા કેટલાક ધાર્મિક બાંધકામો પણ હટાવી કાટમાળ ખસેડવાની ચાલી રહેલી કામગીરી નજરે પડે છે. (ફોટોઃ અભિજીત બગથરીયા) : સિનીયર સેકસન એન્જિનયર (રેલ્વે) શ્રી નિતીન વારકે
રાજકોટ તા.૯: મોડેલ સ્ટેશન તરીકે વિકસી રહેલા રાજકોટના ભકિતનગર રેલ્વે સ્ટેશનની જગ્યામાં વર્ષોથી થઇ ગયેલુ અનઅધિકૃત દબાણ હટાવવા માટે આજે સવારથી જ મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં બપોર સુધીમાં ૩૫૦ જેટલા ઝુપડા હટાવી કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દબાણ હટાવની કામગીરી દરમ્યાન નાની-મોટી ઉગ્રતા સિવાય ડીમોલીશન શાંતિપૂર્ણ રહયાનો દાવો રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.
શહેરના લક્ષ્મીનગર રેલ્વે અન્ડરબ્રિજથી લોહાનગર તરફની રેલ્વે લાઇનની બાજુમાં પડેલી રેલ્વેની માલીકીની પડતર જગ્યામાં વર્ષોથી ઝુંપડા ઉભા કરી શ્રમીકોની સાથે-સાથે અસામાજીક તત્વોએ દબાણ ઉભા કરી જમીન ઉપર કબ્જો કરી લીધો હતો.
દેશભરમાં ચોક્કસ રેલ્વે સ્ટેશનોની યાદી તૈયાર કરી આવા સ્ટેશનોને ‘‘મોડેલ સ્ટેશન'' તરીકે વિકસાવવાની કામગીરી ચાલુ છે. ભકિતનગરનો સમાવેશ થયો છે. રેલ્વે સ્ટેશનની સામેની તરફ થયેલા દબાણો હટાવવાની કામગીરી આજે સવારથી ડિવીઝનલ રેલ્વે મેનેજર શ્રી ગિરીરાજ મીનાની સુચનાથી રેલ્વેના સિનીયર ડીવીઝનલ એન્જિનીયર- કો-ઓર્ડીનેશન શ્રી નરેન્દ્રસિંઘની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી. રેલ્વે પ્રોટેકશન ફોર્સ, સિટી પોલીસ અને ગુજરાત રેલ્વે પોલીસના ૨૫૦થી વધુના સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે માટે બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. ડીમોલીશન સ્થળે સિનીયર સેકશન એન્જિનીયર નીતીન વારકે અને જીઆરપીના ઇન્સપેકટર હિતેન્દ્રસિંહ રાણા ખડેપગે રહયા હતા. રેલ્વે ટ્રેકની પેલે પાર ૧૦૦×૧૫૦ મીટરથી વધુ જગ્યામાં દબાણ હટાવાયાનું રેલ્વેના અધિકારી નિતીન વારકેએ માધ્યમોને જણાવ્યું હતું. તેમણે કહયુ કે, તમામ દબાણકર્તાઓને નોટીસ પાઠવી શાંતિપૂર્ણ રીતે પોતાની ચીજવસ્તુઓ ખસેડી લેવા ચેતવણી આપવામાં આવી હતી. મોટાભાગના લોકો આ નોટીસ અનુસર્યા હતા. અમુક લોકોએ દબાણ હટાવ્યા ન હતા તેમના દબાણો આજે જેસીબી સહિતની મશીનરીથી હટાવી દેવાયા હતા. આવતા બે-ત્રણ દિવસ દરમ્યાન જગ્યા ઉપરથી કાટમાળ હટાવી સંપૂર્ણપણે સ્વચ્છ કરાયા બાદ આ સ્થળ ઉપર મોડેલ રેલ્વે સ્ટેશનના પ્લાન મુજબ વિકાસકાર્ય શરૂ થશે. તેમ રેલતંત્રએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, રાજયભરમાં રેલ્વેની માલીકી ઉપર થયેલા દબાણો હટાવવા તબક્કાવાર ઓપરેશન હાથ ધરાશે તેવુ રેલતંત્રના અધિકારીઓએ ‘‘ઓફ ધ રેકોર્ડ'' જણાવ્યુ હતું.
(2:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
