News of Monday, 9th March 2026
ચારધામ યાત્રા ૨૦૨૬: નવા નિયમો અને રજીસ્ટ્રેશન ફી સાથે ભક્તો માટે મોટા ફેરફારોઃ હવે મોબાઈલ-કેમેરા પર પ્રતિબંધની શકયતા
ઉત્તરાખંડ સરકાર દ્વારા એપ્રિલથી શરૂ થતી પવિત્ર યાત્રા માટે નવી ગાઈડલાઈન જાહેરઃ રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ અનિવાર્ય અને વિશેષ પૂજાના દરોમાં ધરખમ વધારાની તૈયારી

દેહરાદૂન, તા.૯: ચારધામ યાત્રા ૨૦૨૬નો પ્રારંભ આગામી ૧૯ એપ્રિલથી થવા જઈ રહ્યો છે, પરંતુ આ વખતે યાત્રાળુઓએ બદલાયેલા કડક નિયમોનું પાલન કરવું પડશે. સૌથી મોટો ફેરફાર નોંધણી પ્રક્રિયામાં છે, જ્યાં અત્યાર સુધી નિઃશુલ્ક રહેતી પ્રક્રિયા માટે હવે નજીવી ફી (અંદાજે ૧૦ રૂપિયા) ચૂકવવી પડી શકે છે. ગઢવાલ કમિશનરની અધ્યક્ષતામાં બનેલી સમિતિ આ અંગે આખરી નિર્ણય લેશે. યાત્રાને સુગમ બનાવવા માટે ટૂરિસ્ટ કેર ઉત્તરાખંડ એપ લોન્ચ કરવામાં આવી છે, જે મુસાફરોને ટ્રેક કરવામાં મદદ કરશે. આધાર કાર્ડને મુખ્ય દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે, જેનાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન મિનિટોમાં પૂર્ણ થઈ શકશે.
મંદિરોની મર્યાદા અને વ્યવસ્થા જાળવવા માટે આ વર્ષે બદ્રીનાથ અને કેદારનાથ જેવા ધામોમાં મોબાઈલ ફોન અને કેમેરાના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ અથવા કડક મર્યાદાઓ લાદવાની વિચારણા ચાલી રહી છે. ભીડને નિયંત્રિત કરવા અને ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે મંદિર સમિતિ આ નિર્ણય લઈ શકે છે. આ ઉપરાંત, બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ વિશેષ પૂજાના દરોમાં ૧૫% થી ૩૦% સુધીનો વધારો કરવાની ભલામણ કરી છે, જેના પર ૧૦ માર્ચે દેહરાદૂન ખાતે મળનારી બોર્ડ મીટિંગમાં અંતિમ મહોર મારવામાં આવશે.
યાત્રાના શિડ્યુલ મુજબ, ૧૯ એ-લિે યમુનોત્રી અને ગંગોત્રીના દ્વાર ખુલશે, ત્યારબાદ ૨૨ એપ્રિલે કેદારનાથ અને ૨૩ એપ્રિલે બદ્રીનાથના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. વિદેશી પ્રવાસીઓ માટે ઈમેલ દ્વારા નોંધણીની સુવિધા આપવામાં આવી છે. જો તમે આ પવિત્ર યાત્રાનું આયોજન કરી રહ્યા હોવ, તો સત્તાવાર પોર્ટલ પર વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે, કારણ કે નોંધણી વગરના મુસાફરોને દર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
