હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આફ્રિદીનો થપ્પડ અને ફિક્સિંગનું પાપ: મોબાઈલ રિપેરિંગે ખોલી પાકિસ્તાની ક્રિકેટરોની પોલ
બુકીના ફોનમાંથી લીક થયેલા મેસેજે મચાવ્યો હતો ખળભળાટ: મોહમ્મદ આમિરની કબૂલાતથી લઈને લોર્ડ્સ ટેસ્ટના કલંકિત ઈતિહાસ સુધીની અબ્દુલ રઝાકની સનસનાટીભરી કેફિયત

કરાચી: પાકિસ્તાની ક્રિકેટના ઈતિહાસના સૌથી કાળા પ્રકરણ ગણાતા 2010ના સ્પોટ ફિક્સિંગ કૌભાંડ અંગે પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રઝાકે જણાવ્યું કે આ આખું ષડયંત્ર લંડનમાં એક મોબાઈલ રિપેરિંગ શોપમાં આકસ્મિક રીતે ખુલ્લું પડ્યું હતું. બુકી મઝહર મજીદ પોતાનો ખામીયુક્ત ફોન રિપેર કરાવવા રઝાકના મિત્ર પાસે ગયો હતો, જ્યાં મોડી રાત્રે ફોન ચાલુ થતા જ તેમાં સલમાન બટ, મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિર સાથેની ફિક્સિંગની ચેટ્સ સામે આવી હતી. આ પુરાવા જોતા જ રઝાકે તાત્કાલિક કેપ્ટન શાહિદ આફ્રિદીને જાણ કરી હતી, જેણે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા કડક વલણ અપનાવ્યું હતું.
આફ્રિદીએ આ મામલે 18 વર્ષના યુવા બોલર મોહમ્મદ આમિરને રૂમમાં બોલાવી પૂછપરછ કરી હતી. રઝાકના જણાવ્યા અનુસાર, જ્યારે આમિર સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે રૂમની બહાર જોરદાર થપ્પડનો અવાજ સંભળાયો હતો. આફ્રિદીના આ આકરા પ્રહાર બાદ આમિર ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો હતો અને બુકી સાથેની મિલીભગત સ્વીકારી લીધી હતી. રઝાક માને છે કે જો તે સમયે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ ખેલાડીઓને તાત્કાલિક ઘરે મોકલી દીધા હોત, તો આંતરરાષ્ટ્રીય સ્તરે દેશની આટલી બદનામી ન થઈ હોત, પરંતુ મેનેજમેન્ટની સુસ્તીને કારણે મામલો આઈસીસી (ICC) અને બ્રિટિશ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
આ કૌભાંડે પાકિસ્તાની ક્રિકેટની છબી ખરડી નાખી હતી, જેના પરિણામે સલમાન બટ અને મોહમ્મદ આસિફની કારકિર્દીનો અંત આવ્યો હતો. જોકે, આમિરે વહેલી કબૂલાત કરી હોવાથી તેને પાંચ વર્ષના પ્રતિબંધ બાદ ફરીથી ટીમમાં સ્થાન મળ્યું અને તે 2024ના ટી20 વર્લ્ડ કપ સુધી સક્રિય રહ્યો. રઝાકનો આ લેટેસ્ટ ખુલાસો ફરી એકવાર ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે, જે દર્શાવે છે કે કેવી રીતે એક સામાન્ય મોબાઈલ મેસેજે આખા વિશ્વમાં ક્રિકેટની શુદ્ધતા સામે સવાલ ઉભા કર્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
