News of Monday, 9th March 2026
બંગાળમાં ૧.૨૨ કરોડ મતોનો 'ખેલ': મમતા બેનર્જી શા માટે SIR સામે બાંયો ચઢાવી રહ્યા છે?
વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ પહેલા પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર: ૬૩ લાખથી વધુ મતો કાઢી નંખાયા અને ૬૦ લાખ 'અન્ડર એડજ્યુકેશન'માં

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગવા માંડ્યા છે, પરંતુ આ વખતે લડાઈ મેદાનમાં નહીં પણ 'મતદાર યાદી' માં લડાઈ રહી હોય તેમ લાગે છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી SIR એટલે કે મતદાર યાદીના વિશેષ સઘન સુધારા સામે અત્યંત આક્રમક બન્યા છે. તેમનો આરોપ છે કે ચૂંટણી પંચ ભાજપના ઈશારે ટીએમસી (TMC) ના મજબૂત ગઢ ગણાતા વિસ્તારોમાંથી વ્યવસ્થિત રીતે મતો કાપી રહ્યું છે. તાજેતરના આંકડા મુજબ, SIR ની આ પ્રક્રિયા બાદ બંગાળની મતદાર યાદીમાંથી અંદાજે ૬૩.૬૬ લાખ નામો કાઢી નાખવામાં આવ્યા છે. આ આંકડો એટલો મોટો છે કે તે રાજ્યના ચૂંટણી ઈતિહાસમાં મોટો ઉલટફેર લાવી શકે છે.
મમતા બેનર્જીની ચિંતા પાછળનું અસલી કારણ આંકડાકીય 'દુઃસ્વપ્ન' છે. મતદાર યાદીના અંતિમ પ્રકાશન મુજબ, રાજ્યમાં મતદારોની સંખ્યા ૭.૬૬ કરોડથી ઘટીને ૬.૪૪ કરોડ થઈ ગઈ છે, જે અંદાજે ૧૬% નો ઘટાડો દર્શાવે છે. આ ઉપરાંત, ૬૦ લાખથી વધુ નામો 'અન્ડર એડજ્યુકેશન' (તપાસ હેઠળ) રાખવામાં આવ્યા છે, એટલે કે જો આ મતો પણ રદ થાય, તો કુલ ૧.૨૨ કરોડ મતોનો સફાયો થઈ શકે છે. પશ્ચિમ બંગાળની ૨૯૪ બેઠકો પર જો સરેરાશ ગણતરી કરવામાં આવે, તો દરેક વિધાનસભા બેઠક પર અંદાજે ૩૪,૦૦૦ થી ૪૦,૦૦૦ મતોનો ઘટાડો થઈ શકે છે. જે બેઠકો પર હાર-જીતનો તફાવત માત્ર ૨,૦૦૦ થી ૫,૦૦૦ મતોનો હોય, ત્યાં આટલો મોટો ઘટાડો સત્તાધારી પક્ષ TMC માટે જોખમી સાબિત થઈ શકે છે.
ચૂંટણી પંચે આ પ્રક્રિયાને 'બનાવટી મતો દૂર કરવાની ટેકનિકલ પ્રક્રિયા' ગણાવી છે, પરંતુ મમતા બેનર્જી તેને 'લોકશાહીની હત્યા' ગણાવી રહ્યા છે. ખાસ કરીને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓ જેવા કે મુર્શિદાબાદ અને માલદા, તેમજ મતુઆ સમુદાયના વિસ્તારોમાં સૌથી વધુ મતો કાપવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે બીજેપી તે જ વિસ્તારોને નિશાન બનાવી રહી છે જ્યાંથી ટીએમસીને લીડ મળે છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ આંકડાઓને આવકારતા કહ્યું છે કે "હવે મમતાને કોઈ બચાવી શકશે નહીં," જેનાથી આ વિવાદ વધુ વકર્યો છે. આ લડાઈ હવે સુપ્રીમ કોર્ટના ઉંબરા સુધી પહોંચી છે અને બંગાળની આગામી ચૂંટણીનો પાયો આ મતોના ગણિત પર જ ટકેલો છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
