હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોર્મુઝમાં ફ્રાન્સની એન્ટ્રીથી ખળભળાટ: મેક્રોન અને ઈરાન સામસામે
વૈશ્વિક તેલ પુરવઠાના સૌથી મહત્વના માર્ગ પર ફ્રાન્સ લશ્કરી જહાજો તૈનાત કરવાની તૈયારીમાં: ઈરાની કમાન્ડર અલી લારીજાનીની મેક્રોનને ખુલ્લી ચેતવણી- "જ્યાં સુધી યુદ્ધ ચાલુ છે, ત્યાં સુધી સમુદ્ર સુરક્ષિત નહીં રહે"

પેરિસ: મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની આગ હવે સમુદ્રી માર્ગો સુધી પ્રસરી રહી છે. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સોમવારે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે, ફ્રાન્સ હોર્મુઝ માં ફસાયેલા તેલ ટેન્કરો અને કન્ટેનર જહાજોને સુરક્ષા આપવા માટે પોતાના બે આધુનિક યુદ્ધ જહાજો લાલ સમુદ્રમાં મોકલશે. મેક્રોનનો ઉદ્દેશ્ય આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને ફરીથી ખોલવાનો છે, જે હાલમાં ઈરાનના વર્ચ્યુઅલ નિયંત્રણ હેઠળ બંધ જેવી સ્થિતિમાં છે. ફ્રાન્સની આ યોજનામાં અન્ય યુરોપિયન દેશોને પણ સામેલ કરવામાં આવી શકે છે, જેને મેક્રોને સંપૂર્ણપણે 'રક્ષણાત્મક મિશન' ગણાવ્યું છે.
મેક્રોનની આ જાહેરાત બાદ ઈરાનના તેવર વધુ આક્રમક બન્યા છે. ઈરાનના ટોચના સુરક્ષા અધિકારી અને કમાન્ડર અલી લારીજાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મેક્રોનને સીધી ફટકાર લગાવતા લખ્યું કે, "અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા લગાડવામાં આવેલી યુદ્ધની આગ વચ્ચે કોઈ પણ પ્રકારની સુરક્ષાની આશા રાખવી મૂર્ખામી છે." લારીજાનીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે પક્ષો આ યુદ્ધને ઉશ્કેરી રહ્યા છે, તેઓ જો સુરક્ષાના નામે અહીં દખલ કરશે તો પરિણામો ભયાનક આવશે. ઈરાને સંકેત આપ્યો છે કે જ્યાં સુધી તેમના પર થતા હુમલા બંધ નહીં થાય, ત્યાં સુધી આ વ્યૂહાત્મક માર્ગ પરથી તેલનું વહન જોખમી જ રહેશે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા આ અવરોધને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ રોકેટની ગતિએ વધી રહ્યા છે, કારણ કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો ૨૦ ટકા હિસ્સો આ સાંકડા માર્ગ પરથી પસાર થાય છે. મેક્રોને સ્વીકાર્યું છે કે જો મધ્ય-પૂર્વની લડાઈ શાંત નહીં થાય, તો લશ્કરી એસ્કોર્ટ મિશન ચલાવવું અત્યંત પડકારજનક બની રહેશે. અત્યારે સમગ્ર વિશ્વની નજર આ સમુદ્રી ગતિરોધ પર છે, કારણ કે જો ફ્રેન્ચ યુદ્ધ જહાજો અને ઈરાની સેના વચ્ચે સીધો સંઘર્ષ થયો, તો ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા વાર નહીં લાગે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
