<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને વિદેશ ભાગી જતા રોકવા આશુતોષ બ્રહ્મચારીએ કોર્ટમાં દાખલ કરી અરજી

ગૌ પ્રતિષ્ઠા માટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા ધર્મયુદ્ધ યાત્રાનો હુંકાર બીજી તરફ કાનૂની સકંજો: પ્રયાગરાજની પોક્સો કોર્ટમાં પાસપોર્ટ અને વિઝા જપ્ત કરવાની માંગ

નવી દિલ્હી :સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની મુશ્કેલીઓ વધી રહી છે.આશુતોષ બ્રહ્મચારીએ પ્રયાગરાજની પોક્સો કોર્ટમાં એક અરજી દાખલ કરીને સ્વામીને વિદેશ જતાં રોકવા અને તેમની 'ગૌ પ્રતિષ્ઠા ધર્મયુદ્ધ યાત્રા'  પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ મામલે કોર્ટે દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

 

અરજીમાં આશુતોષ બ્રહ્મચારીએ દાવો કર્યો છે કે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ લખનૌથી વિદેશ ભાગી જવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કોર્ટને વિનંતી કરી છે કે સ્વામીના પાસપોર્ટ અને વિઝા જપ્ત કરવામાં આવે જેથી તેઓ કાયદાકીય પ્રક્રિયાથી બચી ન શકે. વધુમાં, બ્રહ્મચારીએ તાજેતરમાં પોતાના પર થયેલા જીવલેણ હુમલાની વિગતો પણ કોર્ટ સમક્ષ રજૂ કરી છે અને આરોપ લગાવ્યો છે કે આ યાત્રા પીડિતોની સુરક્ષા માટે મોટો ખતરો છે. 

ઉત્તર પ્રદેશમાં ગૌહત્યા પર પહેલેથી જ પ્રતિબંધ હોવાનો ઉલ્લેખ કરતા બ્રહ્મચારીએ જણાવ્યું હતું કે સ્વામીની આ યાત્રા તર્કસંગત નથી. જો તેઓ ખરેખર ગૌહત્યા રોકવા માંગતા હોય તો તેમણે કેરળ જેવા રાજ્યોમાં જવું જોઈએ જ્યાં આ કાયદો નથી. તેમણે આક્ષેપ કર્યો કે આ યાત્રા માત્ર પોલીસ અને સરકાર પર દબાણ લાવવા માટે છે જેથી સ્વામી સામેના કેસ પાછા ખેંચી શકાય

ટ્રેનમાં થયેલા હુમલા અંગે બોલતા તેમણે કહ્યું કે સ્વાતિ અઘોરી નામના શખ્સે સોશિયલ મીડિયા પર હુમલાની કબૂલાત કરી છે. જોકે સ્વામી તેને ઓળખતા હોવાનો ઇનકાર કરે છે, પરંતુ કોલ ડિટેલ રેકોર્ડ તપાસવાથી સત્ય સામે આવી જશે તેવો દાવો બ્રહ્મચારીએ કર્યો છે. .

(10:05 PM IST)