હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કંગાળ પાકિસ્તાને સાઉદી સામે હાથ ફેલાવ્યો : 5 અબજ ડોલરની રોકડ અને ઉધાર તેલ માટે આજીજી
વધતા દેવા અને ખાલી તિજોરી વચ્ચે શરીફની રિયાધ પાસે 8 મોટી માંગણીઓ: અર્થતંત્રને વેન્ટિલેટર પરથી બહાર લાવવા જૂની થાપણોને 10 વર્ષના લાંબા ગાળાના દેવામાં ફેરવવા પાકિસ્તાનનું દબાણ

ઈસ્લામાબાદ: આર્થિક પાયમાલીના આરે ઉભેલા પાકિસ્તાને ફરી એકવાર પોતાના 'તારણહાર' સાઉદી અરેબિયા સમક્ષ મદદ માટે હાથ ફેલાવ્યો છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે રિયાધને 8 મહત્વપૂર્ણ વિનંતીઓ મોકલી છે, જેમાં સૌથી મુખ્ય સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનમાં રાખેલી $5 અબજની સાઉદી થાપણને ટૂંકા ગાળાના બદલે 10 વર્ષની લાંબી મુદતના દેવામાં ફેરવવાની માંગ છે. આ ઉપરાંત, પાકિસ્તાન અત્યારે મળી રહેલી 1.2 અબજડોલરનું ઉધાર તેલ સુવિધાને વધારીને સીધી 5 અબજ ડોલર કરવા ઈચ્છે છે, જેથી વિદેશી હૂંડિયામણ ભંડાર પરનું દબાણ ઓછું કરી શકાય અને મોંઘા વ્યાજદરના દેવામાંથી મુક્તિ મેળવી શકાય.
નાણાકીય સ્થિરતા મેળવવા માટે પાકિસ્તાને સાઉદી સાર્વભૌમ સંપત્તિ ભંડોળ દ્વારા મોટા પાયે રોકાણ કરવાની અને આયાત વ્યવહારો માટે બેંક ગેરંટીની શરતો હળવી કરવાની પણ અપીલ કરી છે. પાકિસ્તાન સરકાર તેલની ચુકવણીનો સમયગાળો પણ એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવા માંગે છે. જોકે, રિયાધ તરફથી હજુ સુધી આ પ્રસ્તાવ પર કોઈ સત્તાવાર લીલી ઝંડી મળી નથી. પ્રાદેશિક તણાવ અને તેલના બજારમાં અનિશ્ચિતતા વચ્ચે સાઉદી અરેબિયા પાકિસ્તાનની આ 'મોટી લિસ્ટ' પર શું વલણ અપનાવે છે તેના પર આખા એશિયાની નજર છે.
બીજી તરફ, પાકિસ્તાન 7 અબજ ડોલરના ના 'એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી' પ્રોગ્રામની ત્રીજી સમીક્ષા પૂર્ણ કરવા માટે IMF સાથે પણ સતત સંપર્કમાં છે. જો સાઉદી અરેબિયા આ મદદની ખાતરી આપે, તો જ IMF આગામી હપ્તો જાહેર કરે તેવી શક્યતા છે. પાકિસ્તાની અર્થતંત્ર હાલમાં સંપૂર્ણપણે બાહ્ય લોન અને મિત્ર દેશોની રહેમનજર પર ટકેલું છે, ત્યારે શાહબાઝ સરકારની આ છેલ્લી ઘડીની દોડધામ દેશને ડિફોલ્ટ થતા બચાવી શકશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
