<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ઈરાનના નવા 'સુપ્રીમ લીડર' મોજતબા ખામેની: પિતા કરતા પણ વધુ કટ્ટર અને અબજોની સંપત્તિના માલિક

ઈઝરાયેલ-અમેરિકા સામે સીધા જંગના ભણકારા વચ્ચે તેહરાનની કમાન સંભાળતા જ મિસાઈલોનો વરસાદ: લંડનના પોશ વિસ્તારમાં ₹૧૨ અબજની બેનામી મિલકતો અને IRGC પર મજબૂત પકડ ધરાવતા મોજતબાના શાસનથી મધ્ય-પૂર્વમાં સર્જાશે ભયાનક વંટોળ

તેહરાન:  જ્યારે ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાના બોમ્બમારો થઈ રહ્યો છે, ત્યારે તેહરાને આક્રમક વલણ અપનાવતા આયાતુલ્લા અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેનીને નવા 'સુપ્રીમ લીડર' તરીકે જાહેર કર્યા છે. મોજતબા માત્ર વારસદાર નથી, પરંતુ એક અનુભવી સૈનિક પણ છે જેમણે ઈરાન-ઈરાક યુદ્ધમાં 'હબીબ બટાલિયન' તરફથી મોરચો સંભાળ્યો હતો. તેમની નિમણૂક થતાની સાથે જ ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલોનો મારો ચલાવીને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેઓ પશ્ચિમી દેશો સામે જરાય નરમ પડવાના નથી. રશિયન પ્રમુખ પુતિને તેમને તાત્કાલિક અભિનંદન પાઠવ્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ નિમણૂકને નકારી કાઢીને સીધી ધમકી આપી છે. મોજતબાની ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ  અને કુદ્સ ફોર્સ પર લોખંડી પકડ છે, જે હિઝબુલ્લાહ અને હુથી જેવા સંગઠનોને નવી તાકાત આપશે.

મોજતબાને તેમના પિતા અલી ખામેની કરતા પણ વધુ કટ્ટરપંથી અને જીદ્દી માનવામાં આવે છે. ઈરાનમાં થયેલા આંતરિક વિરોધ પ્રદર્શનોને અત્યંત નિર્દયતાથી દબાવવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. હવે જ્યારે ઈઝરાયેલી હુમલામાં તેમના માતા-પિતાનું અવસાન થયું છે, ત્યારે મોજતબાનો બદલો લેવાનો ઈરાદો ઈરાનને એક લાંબા અને વિનાશક યુદ્ધ તરફ ધકેલી શકે છે. આ શાસન પરિવર્તન બાદ ઈરાન હવે રક્ષણાત્મક મોડ છોડીને અમેરિકાના આરબ દેશોમાં આવેલા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની રણનીતિ અપનાવી રહ્યું છે. આનાથી વૈશ્વિક સ્તરે શિયા મુસ્લિમોની એકતા વધશે અને મધ્ય-પૂર્વમાં સત્તાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે, જેની સીધી અસર ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક સુરક્ષા પર પડશે.

સંપત્તિની બાબતમાં પણ મોજતબા ખામેની કોઈ આલીશાન રાજાથી કમ નથી. તેમની પાસે માત્ર ઈરાનમાં જ નહીં, પણ વિદેશોમાં પણ અબજોની સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. લંડનના સૌથી મોંઘા વિસ્તાર ગણાતા કેન્સિંગ્ટનમાં પેલેસ ગ્રીન રોડ પર તેમના કરોડોના વૈભવી એપાર્ટમેન્ટ્સ છે, જે ઈઝરાયેલી દૂતાવાસની સાવ નજીક આવેલા છે. બ્રિટિશ સરકારના અંદાજ મુજબ, મોજતબા લંડનમાં આશરે ₹૧૨ અબજ ($૧.૨ બિલિયન) ની મિલકતો ધરાવે છે, જે હાલમાં IRGC ને ફંડિંગ કરવાના આરોપસર સ્થગિત કરી દેવામાં આવી છે. આટલી વિશાળ સંપત્તિ અને સૈન્ય શક્તિના માલિક બન્યા બાદ મોજતબા ખામેની હવે વિશ્વના સૌથી શક્તિશાળી અને જોખમી નેતાઓમાંના એક તરીકે ઉભરી આવ્યા છે.

(9:59 PM IST)