News of Monday, 9th March 2026
પાકિસ્તાનમાં ઈંધણનો હાહાકાર: મંત્રીઓના પેટ્રોલ પર કાપ : શાળાઓ બંધ અને સેનાના નેતૃત્વમાં કટોકટીનો સામનો
ઈરાન-અમેરિકા યુદ્ધની જ્વાળાઓમાં હોમાતું પાકિસ્તાનનું અર્થતંત્ર: પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝના 'અસાધારણ' નિર્ણયો હેઠળ મંત્રીઓના કાફલા પર પ્રતિબંધ : 50% ભથ્થામાં ઘટાડો અને વર્ચ્યુઅલ લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે દેશને પતનથી બચાવવા છેલ્લો દાવ

ઈસ્લામાબાદ: પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની સૌથી ભયાનક અસર પાકિસ્તાન પર જોવા મળી રહી છે. ખાડી ક્ષેત્રમાં તેલ પુરવઠાની સાંકળ સંપૂર્ણપણે ખોરવાઈ જતા પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ટીપે-ટીપા માટે ત્રાહિમામ પોકારાઈ રહ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ શરીફે સત્તાધારી મંત્રીઓ અને વરિષ્ઠ અમલદારો પર અભૂતપૂર્વ અને કઠોર પ્રતિબંધો લાદવાની ફરજ પડી છે. નવા આદેશ મુજબ, હવે કોઈ પણ મંત્રીને સરકારી ખર્ચે બળતણ મળશે નહીં; તેમણે કાં તો પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે અથવા તેમના વૈભવી વાહનોને ગેરેજમાં કેદ કરવા પડશે. મંત્રીઓ સાથે ફરતા સુરક્ષા વાહનોના લાંબા કાફલા પર પણ રોક લગાવી દેવામાં આવી છે, હવે માત્ર એક જ સુરક્ષા વાહનને મંજૂરી અપાઈ છે, જ્યારે સરકારી અધિકારીઓના પેટ્રોલ ભથ્થામાં સીધો 50% નો કાપ ઝીંકી દેવાયો છે.
દેશમાં ઈંધણના વપરાશને ન્યૂનતમ સ્તર પર લાવવા માટે પાકિસ્તાને હવે 'ડિજિટલ લોકડાઉન' જેવો માર્ગ અપનાવ્યો છે. મરિયમ નવાઝે આદેશ આપ્યો છે કે પંજાબ પ્રાંતની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ 10 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે, જેમાં ઓનલાઈન શિક્ષણને જ એકમાત્ર વિકલ્પ તરીકે રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં 'વર્ક ફ્રોમ હોમ' નીતિ કડક રીતે લાગુ કરવામાં આવી છે અને ખાનગી કંપનીઓને પણ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરાવવા તાકીદ કરાઈ છે. એટલું જ નહીં, પાકિસ્તાનનો પ્રખ્યાત 'હોર્સ એન્ડ કેટલ શો' અને અન્ય તમામ સાંસ્કૃતિક ઉત્સવો રદ કરવામાં આવ્યા છે. બજારોને વહેલા બંધ કરવા અને મોડી રાતની ખરીદી પર પ્રતિબંધ લાદીને વીજળી અને ઈંધણ બચાવવા માટે વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે, જેથી દેશમાં ટ્રાફિકનું પ્રમાણ ઘટાડી શકાય.
આ ભીષણ અછત વચ્ચે કાળાબજારિયાઓ અને સંગ્રહખોરો જનતાને ન લૂંટે તે માટે પાકિસ્તાને હાઈ-ટેક દેખરેખ સિસ્ટમનો આશરો લીધો છે. પંજાબ ઇન્ફોર્મેશન ટેકનોલોજી બોર્ડને પેટ્રોલિયમ ઉત્પાદનો માટે 'ટ્રેક એન્ડ ટ્રેસ' સિસ્ટમ વિકસાવવા સૂચના અપાઈ છે, જે દરેક લિટર તેલની હિલચાલ પર નજર રાખશે. જો હોર્મુઝની સામુદ્રધુની લાંબો સમય બંધ રહેશે, તો નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનમાં આર્થિક અરાજકતા ફેલાઈ શકે છે. આ કટોકટીના સમયમાં મરિયમ નવાઝે વડાપ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીરના નેતૃત્વ પર ભરોસો જતાવતા જનતાને ધીરજ રાખવા અપીલ કરી છે. પાકિસ્તાન સરકારના આ આકરા પગલાં હવે દેશને સંપૂર્ણ નાદારી અને સામાજિક વિખવાદથી બચાવવા માટેનો અંતિમ અને નિર્ણાયક પ્રયાસ માનવામાં આવી રહ્યા છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
