<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

તેહરાનની સડકો પર ઉમટ્યો જનમેદનીનો મહાસાગર: મોજતબા ખામેનીના સમર્થનમાં ગુંજતા સૂત્રોચ્ચારોએ વોશિંગ્ટન અને જેરુસલેમની ઊંઘ હરામ કરી

અમેરિકી મિસાઇલોના પ્રહાર અને ઇઝરાયેલના ભીષણ બોમ્બમારા વચ્ચે ઈરાની પ્રજાનો અભૂતપૂર્વ હોંકારો: ડોનાલ્ડ ટ્રમ્પના "હસ્તક્ષેપ" ના દાવાઓ સામે તેહરાનના રિવોલ્યુશન સ્ક્વેર પર લાખો લોકોએ નવા સુપ્રીમ લીડર પ્રત્યે અતૂટ વફાદારીના શપથ લીધા

તેહરાન:  મધ્ય પૂર્વના રણમેદાનમાં જ્યારે અમેરિકા અને ઇઝરાયેલના અત્યાધુનિક યુદ્ધવિમાનો ઈરાની ધરતી પર આગ વરસાવી રહ્યા છે, ત્યારે તેહરાનના ઐતિહાસિક રિવોલ્યુશન સ્ક્વેર (આઝાદી ચોક) પરથી આવેલી તસવીરોએ વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન બાદ પશ્ચિમી દેશો એવી ગણતરી માંડીને બેઠા હતા કે ઈરાન આંતરિક સત્તા સંઘર્ષમાં વેરવિખેર થઈ જશે અને જનતા બળવો કરશે. પરંતુ, વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત જોવા મળી રહી છે. નવા સુપ્રીમ લીડર તરીકે મોજતબા ખામેનીના નામની જાહેરાત થતાની સાથે જ ઈરાની પ્રજાનો જે જનસૈલાબ રસ્તાઓ પર ઉતર્યો છે, તેણે વ્હાઇટ હાઉસના વ્યૂહરચનાકારોને મોટો આંચકો આપ્યો છે. લાખોની મેદની મોજતબાના પોસ્ટરો સાથે "અમે ઝૂકવાના નથી" ના નારા લગાવી રહી છે, જે સીધો જ ડોનાલ્ડ ટ્રમ્પના અહંકાર અને તેમની "શાસન પરિવર્તન" ની નીતિને પડકાર છે.

ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ મોજતબા ખામેનીને એક નબળા નેતા ગણાવીને ઈરાનના ભવિષ્યના નેતૃત્વમાં અમેરિકાની મંજૂરી હોવી જોઈએ તેવો દંભ કર્યો હતો, પરંતુ તેહરાનની સડકો પરનો આ જનજુવાળ દર્શાવે છે કે ટ્રમ્પની મિસાઇલોએ ઈરાનીઓના હોંસલા તોડવાને બદલે તેમને વધુ એકજૂથ કરી દીધા છે. અત્યાર સુધી પડદા પાછળ રહીને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) નું સંચાલન કરનાર મોજતબા હવે જનતાના હૃદયમાં સ્થાન પામીને એક અત્યંત શક્તિશાળી જનસમુદાયના નેતા તરીકે ઉભરી આવ્યા છે. આ તસવીરો જોઈને ટ્રમ્પ માટે રાતોની ઊંઘ હરામ થવી સ્વાભાવિક છે, કારણ કે જો મોજતબા આટલા મોટા જનસમર્થન સાથે હોર્મુઝની સામુદ્રધુની સંપૂર્ણપણે બંધ કરવાનો કે વૈશ્વિક તેલ પુરવઠો રોકવાનો આદેશ આપે, તો અમેરિકામાં મોંઘવારીનો એવો વિસ્ફોટ થશે જે ટ્રમ્પના સ્થાનિક રાજકારણને પણ ભૂંસી નાખવા સક્ષમ છે.

માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ માટે પણ આ ચિંતાનો વિષય છે. ઇઝરાયેલે નવા સુપ્રીમ લીડરને નિશાન બનાવવાની ધમકી આપી હતી, પરંતુ મોજતબાની આસપાસ જે રીતે સૈન્ય અને પ્રજાનું મજબૂત સુરક્ષા કવચ રચાયું છે, તે જોતા કોઈ પણ સાહસ ઇઝરાયેલ માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. તેહરાનના રસ્તા પર ઉભેલા પ્રદર્શનકારીઓના જુસ્સાને જોઈને નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાન હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક યુદ્ધની તૈયારીમાં છે. જો ટ્રમ્પ અને નેતન્યાહૂ આ જનશક્તિના સંકેતને સમજવામાં નિષ્ફળ રહેશે અને હુમલાઓ ચાલુ રાખશે, તો આવનારા દિવસોમાં મધ્ય પૂર્વની આ આગ સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લેશે તે નક્કી છે. ઈરાને સાબિત કરી દીધું છે કે લોખંડી મિસાઇલો સામે લોખંડી ઈરાદાઓ ધરાવતી પ્રજાને હરાવવી અશક્ય છે.

(11:12 PM IST)