<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

યુવકે ગુસ્‍સામાં પત્‍ની અને સાસુ-સસરાને જીવતા સળગાવ્‍યા

બાઈક બાબતે બબાલ થઇ : ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા છે અને હાલ હોસ્‍પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે

બેંગલુરુ તા.૧૦: બેંગલુરુમાં એક નજીવી બાબતે ભયાનક રૂપ લઈ લીધું. બાઈક આપવાનો ઇનકાર કરતા ગુસ્‍સે થયેલા યુવકે પોતાની પત્‍ની અને તેના માતા-પિતાને પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી. ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા છે અને હાલ તેમની હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના પછી આરોપી સ્‍થળ પરથી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેને પકડી લીધો છે.

પોલીસના જણાવ્‍યા મુજબ, આરોપીનું નામ પાંડુરંગા છે, તેની ઉંમર ૩૨ વર્ષ છે અને તે નંદિની લેઆઉટ વિસ્‍તારમાં રહે છે. દાઝેલી મહિલાનું નામ સુમલતા છે, જે પાંડુરંગાની પત્‍ની છે. તેની ઉંમર ૨૭ વર્ષ છે અને તે ઘરગથ્‍થું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઘટના બેંગલુરુના તારાબનહલ્‍લી વિસ્‍તારમાં આવેલા તેના ઘરે બની હતી.

પ્રાથમિક માહિતી મુજબ, પાંડુરંગા રવિવારે સુમલતા પાસે બાઈક માગવા તેના ઘરે ગયો હતો. સુમલતાએ બાઈક આપવાનો ઇનકાર કર્યો, જેના કારણે બંને વચ્‍ચે બોલાચાલી થઈ. વિવાદ વધતા સુમલતાના માતા-પિતા વચ્‍ચે પડ્‍યા અને વાત વધુ ઉગ્ર બની ગઈ.

પોલીસ કહે છે કે ગુસ્‍સામાં પાંડુરંગાએ પોતાના પાસે રહેલી બોટલમાંથી પેટ્રોલ કાઢી સુમલતા અને તેના માતા-પિતાને છાંટ્‍યું. કોઈને સમજાય એ પહેલા તેણે ત્રણેયને આગ ચાંપી દીધી. ઘટના પછી પાંડુરંગા તરત ત્‍યાંથી ભાગી ગયો.

આ ઘટનાથી વિસ્‍તારમાં હડકંપ મચી ગયો. ઘરમાંથી ધુમાડો અને ચીસો સાંભળી પડોશીઓ દોડી આવ્‍યા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પછી ત્રણેયને ગંભીર હાલત સાથે નજીકની હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા, જ્‍યાં તેમની સારવાર ચાલી રહી છે.

પોલીસને જાણ થતાં તેઓ પણ સ્‍થળ પર પહોંચ્‍યા અને તપાસ શરૂ કરી. સોલાદેવનહલ્‍લી પોલીસે હત્‍યાનો પ્રયાસ અને આપરાધિક ધમકી હેઠળ કેસ નોંધ્‍યો છે. પોલીસે આરોપીની શોધખોળ કરી અને રવિવારે તેને ઝડપી પાડ્‍યો.

(9:57 AM IST)