<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

દેશભરમાં ESMA લાગુઃ LPG સંગ્રહખોરો પર ત્રાટકશે સરકાર

મધ્‍ય પૂર્વમાં વધતા લશ્‍કરી સંઘર્ષના પગલે ઊર્જા સુરક્ષા જોખમાતા ભારત સરકારની મોટી કાર્યવાહીઃ રાંધણ ગેસના અવિરત પુરવઠા માટે રિફાઇનરીઓને યુદ્ધના ધોરણે ઉત્‍પાદન વધારવા આદેશ અને પેનિક બુકિંગ રોકવા નિયમોમાં ધરખમ ફેરફાર : કેન્‍દ્ર સરકારે ‘આવશ્‍યક ચીજવસ્‍તુઓનો કાયદો' (ECA) અમલી બનાવ્‍યોઃ સંગ્રહખોરો પર કડક લગામ અને સામાન્‍ય જનતાને અવિરત રાંધણ ગેસ મળે તે માટે લેવાયો વ્‍યૂહાત્‍મક નિર્ણય

નવી દિલ્‍હી, તા.૧૦: મધ્‍ય પૂર્વમાં દસ દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધની ઝાળ હવે ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે મોદી સરકારે અત્‍યંત કડક વલણ અપનાવ્‍યું છે. વૈશ્વિક બજારમાં કુદરતી ગેસના ભાવમાં ઉછાળો આવતા અને દેશમાં LPGની સંભવિત અછતના ડરથી લોકોએ ગભરાટમાં આવીને બુકિંગ વધારી દીધું છે. આ સ્‍થિતિને નિયંત્રિત કરવા માટે કેન્‍દ્ર સરકારે તાત્‍કાલિક અસરથી દેશવ્‍યાપી ESMA (આવશ્‍યક સેવાઓ જાળવણી કાયદો) લાગુ કરી દીધો છે. આ કાયદા હેઠળ હવે પેટ્રોલિયમ, ગેસ અને ઉર્જા ક્ષેત્રના કર્મચારીઓ હડતાળ પર જઈ શકશે નહીં, જેથી યુદ્ધ જેવી કટોકટીમાં પણ દેશની જનતાને આવશ્‍યક સેવાઓ અવિરત મળતી રહે.

સરકારે માત્ર કાયદો જ લાગુ નથી કર્યો, પરંતુ સંગ્રહખોરી રોકવા માટે LPG સિલિન્‍ડર રિફિલ બુકિંગના નિયમોમાં પણ મહત્‍વનો ફેરફાર કર્યો છે. હવે ગ્રાહકો એક સિલિન્‍ડર લીધા બાદ બીજા સિલિન્‍ડર માટે ૨૧ દિવસને બદલે ૨૫ દિવસ પછી જ બુકિંગ કરાવી શકશે. આ નિર્ણય પાછળનો તર્ક એ છે કે સામાન્‍ય મધ્‍યમવર્ગીય પરિવારને વર્ષે માંડ ૭ થી ૮ સિલિન્‍ડરની જરૂર હોય છે, પરંતુ અછતના ડરથી લોકો બિનજરૂરી સ્‍ટોક ન કરે તે જોવાની જવાબદારી સરકારની છે. રિફાઇનરીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે તેઓ અન્‍ય હાઇડ્રોકાર્બનસ્ત્રોતોનો ઉપયોગ ઘટાડીને તમામ ધ્‍યાન LPG ઉત્‍પાદન પર કેન્‍દ્રિત કરે.

આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ક્રૂડ ઓઈલના ભાવ ભલે પ્રતિ બેરલ $૧૦૦ ને પાર કરી ગયા હોય, પરંતુ ભારતીય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે હાલમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં. ઇન્‍ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓ હાલમાં વધારાનો બોજ પોતે સહન કરશે. સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ખાતરી આપી છે કે દેશ પાસે હાલમાં ૭૪ દિવસનો ક્રૂડ ઓઇલનો સ્‍ટોક ઉપલબ્‍ધ છે, જે કોઈપણ ભૌગોલિક રાજકીય તણાવ સામે લડવા માટે પૂરતો છે. આ વ્‍યૂહાત્‍મક સંગ્રહ ક્ષમતા ભારતને વૈશ્વિક કટોકટીમાં પણ સુરક્ષા કવચ પૂરું પાડે છે.ESMA નો આ અમલ આગામી છ મહિના સુધી રહી શકે છે, જે દરમિયાન કોઈપણ પ્રકારનો વિક્ષેપ ઉભો કરનાર સામે કાયદેસરની જેલ અને દંડની કાર્યવાહી થઈ શકે છે. બેંકિંગ, પરિવહન અને વીજળી જેવી સેવાઓને પણ આના કાર્યક્ષેત્રમાં લાવી શકાય છે જેથી અર્થતંત્રના પૈડાં થંભી ન જાય. યુએસ, ઈઝરાયેલ અને ઈરાન વચ્‍ચેની તંગદિલી વચ્‍ચે ભારતનો આ આગોતરો નિર્ણય એ સાબિત કરે છે કે સરકાર રાષ્‍ટ્રીય ઉર્જા સુરક્ષા માટે કેટલી સજ્જ છે. સરકારની આ સક્રિયતાને કારણે બજારમાં ફેલાયેલી અફવાઓ અને કળત્રિમ અછત સર્જનાર તત્‍વો પર લગામ કસાશે તે નક્કી છે. 

(3:28 PM IST)