<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

દારૂ પીને માર મારતો ઘણા દિવસો સુધી ભૂખી રાખી

ક્રિકેટર પર મોડલ પત્‍નીએ લગાવ્‍યા ગંભીર આરોપ

કાનપુર તા.૧૦: ઉત્તરપ્રદેશના કાનપુરની ૩૫ વર્ષીય મોડલ ગરિમા તિવારીએ એડિશન સિવિલ અદાલતમાં પોતાના પતિ આઈપીએલ ક્રિકેટર અમિત મિશ્રા અને તેના પરિવારજનો સામે ફરિયાદ નોંધાવી છે. ગરિમાએ દહેજ માટે શારીરિક-માનસિક ઉત્‍પીડન, મારપીટ અને આપઘાત માટે મજબૂર કરવાના ગંભીર આરોપ લગાવ્‍યા છે. વર્ષ ૨૦૨૧માં લગ્ન કર્યા પછી બંને વચ્‍ચેનો વિવાદ હવે સપાટી પર આવી ગયો છે. પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવામાં ન આવતા પીડિતાએ કોર્ટ દ્વારા ન્‍યાયની ગુહાર લગાવી છે.

ગરિમા તિવારીએ મીડિયાને જણાવ્‍યું કે, તેની અને અમિત મિશ્રાની મુલાકાત ૨૦૧૯માં ઇન્‍સ્‍ટાગ્રામના માધ્‍યમથી થઈ હતી. ત્રણ વર્ષ સુધી બંને રિલેશનશિપમાં રહ્યા અને ત્‍યાર બાદ ૨૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ કાનપુર ક્‍લબમાં બંનેએ સાત ફેરા લીધા હતા. અમિત મિશ્રા હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયામાં અધિકારી છે. ગરિમાનો આરોપ છે કે, લગ્નના થોડા સમય પછી પતિ અને સાસરિયાએ હોન્‍ડા સિટી કાર અને ૧૦ લાખ રૂપિયા માગવાનું શરૂ કરી દીધું હતું.

ન્‍યૂઝ એજન્‍સી અનુસાર મોડલનો આરોપ છે કે, અમિત મિશ્રા દારૂ પીને અવારનવાર તેની સાથે મારપીટ કરતો હતો અને અપશબ્‍દો બોલતો હતો. તેણે કેટલાય દિવસો સુધી જમવાનું આપવામાં આવતું નહોતું અને મોડલિંગ દ્વારા થતી કમાણી પણ તેની પાસેથી આંચકી લેવામાં આવતી હતી. આ ત્રાસથી ગરિમા ડિપ્રેશનમાં જતી રહી અને તેને પોતાનું કરિયર છોડવું પડ્‍યું. માનસિક તણાવને લીધે તેણે એકવાર ફિનાઇલ પીને આપઘાત કરવાનો પ્રયત્‍ન પણ કર્યો, ત્‍યાર બાદ તેને હોસ્‍પિટલમાં દાખલ કરવી પડી હતી.

ગરિમાનો દાવો છે કે, તેણે પોલીસ કમિશનર કાર્યાલયમાં ઘણીવાર ન્‍યાય માટે ગુહાર લગાવી, પરંતુ અમિતના પ્રભાવના કારણે એફઆઈઆર નોંધવામાં આવી નહીં. તેના વકીલ કરીમ અહમદ સિદ્દીકીએ જણાવ્‍યું કે, પોલીસની નિષ્‍ક્રિયતા બાદ અદાલત સુધી પહોંચવું પડ્‍યું છે. જણાવી દઈએ કે, અમિત પર આ ત્રીજો કેસ છે. આ પહેલા ગરિમાએ ૨૦૨૫માં ઘરેલુ હિસા અને ૫૦,૦૦૦ રૂપિયા માસિક ભથ્‍થા તેમજ ૧ કરોડ રૂપિયાના વળતર માટે અરજી દાખલ કરી હતી.

અમિત મિશ્રા કાનપુરના મીરપુર કેન્‍ટનો મૂળ નિવાસી છે. તે આઈપીએલમાં ગુજરાત લાયન્‍સ, રાજસ્‍થાન રોયલ્‍સ અને લખનઉ સુપર જાયન્‍ટ્‍સ જેવી ટીમ તરફથી રમ્‍યો છે. હાલ તે ભારતીય રિઝર્વ બેન્‍કમાં સુરક્ષા વિભાગમાં આસિસ્‍ટન્‍ટ મેનેજરના પદે કાર્યરત છે. આ કેસ કાનપુરમાં ચર્ચાનો વિષય બનેલો છે. જ્‍યાં એક બાજુ ગરિમા તિવારી ન્‍યાયની ગુહાર લગાવી રહી છે. ત્‍યારે આરોપી પક્ષ તરફથી કોઈપણ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. કોર્ટમાં આગળની સુનાવણી આ મામલે હકીકત સામે લાવશે.

(3:47 PM IST)