હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સ્વીડનની અનોખી ઓફર: પાંચ નસીબદાર લોકોને એક વર્ષ માટે મળશે ‘પોતાનો ટાપુ’, ભાડું ચૂકવ્યા વગર રહેવાની સુવર્ણ તક
“યોર સ્વીડિશ આઇલેન્ડ” અભિયાન હેઠળ પ્રકૃતિના ખોળે રહેવા સ્વીડનનું આમંત્રણ; કસ્ટોડિયન તરીકે ટાપુની સંભાળ રાખનારા વિજેતાઓની જાહેરાત જૂનમાં થશે

સ્ટોકહોમ, તા. 10: જો તમે પણ ભીડભાડથી દૂર કોઈ શાંત ટાપુ પર રહેવાનું સપનું જોતા હોવ, તો સ્વીડન તમારા માટે એક શાનદાર ઓફર લઈને આવ્યું છે. સ્વીડન સરકાર દ્વારા "યોર સ્વીડિશ આઇલેન્ડ" નામનો એક ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં પાંચ પસંદ કરેલા વ્યક્તિઓને એક આખું વર્ષ ખાનગી ટાપુ પર ભાડું ચૂકવ્યા વગર રહેવાની તક આપવામાં આવશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના કુદરતી સૌંદર્ય અને ‘સ્લો ટ્રાવેલ’ (ધીમી મુસાફરી) ના આકર્ષણને વિશ્વ સમક્ષ મૂકવાનો છે.
રહેવા માટે ભાડું નહીં, બસ કરવાની રહેશે આ કામગીરી
આ કાર્યક્રમ હેઠળ પસંદ થયેલા પાંચ વિજેતાઓએ ટાપુ પર રહેવા માટે કોઈ ભાડું ચૂકવવાનું રહેશે નહીં. જોકે, તેના બદલામાં તેમણે ટાપુના ‘કસ્ટોડિયન’ એટલે કે રક્ષક તરીકેની જવાબદારી નિભાવવી પડશે. તેમણે ટાપુની જાળવણી અને પ્રકૃતિનું જતન કરવાનું રહેશે. આ ટાપુઓ એકાંતમાં હોવા છતાં સ્થાનિક સમુદાયોની નજીક છે, જેથી કરિયાણા કે પોસ્ટલ સુવિધાઓ જેવી જીવનજરૂરી સેવાઓ માટે રહેવાસીઓને કોઈ તકલીફ પડશે નહીં.
વિશ્વમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતો દેશ
વિઝિટ સ્વીડનના અધિકારી સુઝાન એન્ડરસને જણાવ્યું હતું કે, સ્વીડન વિશ્વમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતો દેશ છે. આ પહેલ દ્વારા પ્રવાસીઓને વૈભવી જીવનનું સાચું સ્વરૂપ એટલે કે પ્રકૃતિની શાંતિનો અનુભવ કરાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ૨૦૨૬માં આઇલેન્ડ ટૂરિઝમનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે સ્વીડન આ વૈશ્વિક રુચિનો લાભ ઉઠાવીને પ્રકૃતિ પર્યટનને વેગ આપવા માંગે છે.
અરજી કરવાની રીત અને પસંદગી પ્રક્રિયા
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજીઓ અત્યારે સત્તાવાર વેબસાઇટ પર ખુલ્લી છે. અરજદારો પોતાની સર્જનાત્મકતા બતાવવા માટે ઇન્સ્ટાગ્રામ અથવા ટિકટોક પર #visitsweden અને #YourSwedishIsland હેશટેગ સાથે વીડિયો પણ અપલોડ કરી શકે છે. એક ખાસ જ્યુરી દ્વારા અરજદારોની પ્રેરણા અને સર્જનાત્મકતાના આધારે પાંચ વિજેતાઓની પસંદગી કરવામાં આવશે, જેમના નામની જાહેરાત જૂન મહિનામાં થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
