<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

કેનેડામાં વસતા ભારતીયો માટે લોટરી લાગી: 33,000 કામચલાઉ કામદારોને મળશે ‘કાયમી નિવાસ’ (PR) ની સુવર્ણ તક

ટ્રુડો સરકારનો મોટો નિર્ણય: માંગવાળા ક્ષેત્રો અને ગ્રામીણ વિસ્તારોના વિદેશી કામદારો હવે બની શકશે કેનેડાના કાયમી રહેવાસી; એપ્રિલમાં જાહેર થશે સંપૂર્ણ વિગતો

 ઓટ્ટાવા, તા. 10: કેનેડામાં વર્ક પરમિટ પર રહીને કાયમી રહેઠાણ (PR) ની રાહ જોઈ રહેલા હજારો વિદેશી કામદારો, ખાસ કરીને ભારતીયો માટે મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. કેનેડા સરકારે એક નવો ‘ટેમ્પરરી રેસિડેન્ટ ટુ પરમેનન્ટ રેસિડેન્ટ’ (TR to PR) માર્ગ ખોલ્યો છે. આ વિશેષ પહેલ હેઠળ 33,000 જેટલા કામચલાઉ વિદેશી કામદારોને કાયમી રહેઠાણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે કામદારો હાલમાં કેનેડામાં છે અને ચોક્કસ ક્ષેત્રોમાં સેવા આપી રહ્યા છે, તેમના માટે આ એક ‘લાઇફ ચેન્જિંગ’ તક સાબિત થશે.
ગ્રામીણ વિસ્તારો અને ખાસ ક્ષેત્રો પર ફોકસ
ઇમિગ્રેશન મંત્રી લેના મેટલેજ ડાયબે આ કાર્યક્રમની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ક્ષેત્રોમાં મજૂરોની અછત દૂર કરવાનો છે જ્યાં અત્યારે કામદારોની ભારે ખેંચ છે. ખાસ કરીને કેનેડાના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા વિદેશીઓને આમાં પ્રાધાન્ય આપવામાં આવશે. આ એક ‘વન-ટાઇમ’ એટલે કે માત્ર એક વખત માટેની પહેલ છે, જે આગામી બે વર્ષ સુધી ચાલશે. આ યોજનાની વિગતવાર પાત્રતા અને અરજી કરવાની પદ્ધતિ એપ્રિલ મહિનામાં જાહેર કરવામાં આવશે.
કેમ લેવાયો આ નિર્ણય?
કેનેડા સરકાર અત્યારે દેશમાં વધી ગયેલા કામચલાઉ રહેવાસીઓની સંખ્યા ઘટાડવા માટે મથામણ કરી રહી છે. સરકારનો લક્ષ્યાંક છે કે 2027 સુધીમાં કુલ વસ્તીમાં કામચલાઉ રહેવાસીઓનો હિસ્સો ઘટાડીને 5 ટકાથી નીચે લાવવો. આ માટે નવા વિઝા આપવા પર કાપ મૂકવામાં આવ્યો છે, પરંતુ જેઓ ઓલરેડી કેનેડામાં છે અને દેશના અર્થતંત્રમાં ફાળો આપી રહ્યા છે, તેમને કાયમી દરજ્જો આપીને દેશમાં જ સાચવી લેવાની આ વ્યૂહરચના છે.
અરજદારો માટે જરૂરી સૂચના
જોકે હજુ સુધી સંપૂર્ણ પાત્રતા માપદંડો જાહેર થયા નથી, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ભાષાની પરીક્ષા (IELTS/CELPIP) ના પરિણામો અને શૈક્ષણિક દસ્તાવેજો અત્યારથી જ તૈયાર રાખવા હિતાવહ છે. ખાસ કરીને હેલ્થકેર અને અન્ય કુશળ વ્યવસાયો સાથે જોડાયેલા ભારતીય કામદારો માટે આ માર્ગ સૌથી સરળ બની શકે છે. નોંધનીય છે કે જાન્યુઆરી 2025 થી જીવનસાથીની વર્ક પરમિટ (Spousal Work Permit) પર પણ અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, ત્યારે આ નવી PR સ્કીમ આશાનું કિરણ બનીને આવી છે.

(4:50 PM IST)