ગ્લાસગોમાં ભીષણ આગનો તાંડવ: સ્કોટલેન્ડનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન ઠપ્પ, 175 વર્ષ જૂની ઐતિહાસિક ઈમારત બળીને ખાખ
વેપ શોપમાં લાગેલી આગે વિક્ટોરિયન વારસાને ભસ્મીભૂત કર્યો; ટ્રેન સેવાઓ ખોરવાતા હજારો મુસાફરો અટવાયા, બીજા વિશ્વયુદ્ધ જેવો વિનાશક નજારો

ગ્લાસગો, તા. 10: સ્કોટલેન્ડના હૃદય સમાન ગ્લાસગો શહેરમાં લાગેલી એક ભયાનક આગે સમગ્ર પરિવહન વ્યવસ્થાને બાનમાં લીધી છે. ગ્લાસગો સેન્ટ્રલ સ્ટેશનની બિલકુલ બાજુમાં આવેલી ચાર માળની એક પ્રતિષ્ઠિત ઐતિહાસિક ઇમારતમાં રવિવારે બપોરે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્કોટલેન્ડનું સૌથી વ્યસ્ત સ્ટેશન અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની ફરજ પડી છે. આ દુર્ઘટનાને કારણે તમામ રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે અને સ્ટેશન ક્યારે ખુલશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.
ઇતિહાસ બની ગઈ 1851ની ભવ્ય વિરાસત
યુનિયન સ્ટ્રીટ પર આવેલી એક વેપ શોપમાંથી શરૂ થયેલી આ આગે જોતજોતામાં આખું માળખું લપેટમાં લઈ લીધું હતું. 1851માં બનેલી આ ભવ્ય વિક્ટોરિયન ઇમારત આખી રાત સળગતી રહી અને અંતે ધરાશાયી થઈ ગઈ. અત્યારે માત્ર ઇમારતનો આગળનો ભાગ જ બચ્યો છે. સ્થાનિક નેતાઓએ આ દ્રશ્યને 1940ના નાઝી બોમ્બમારા (The Blitz) પછી થયેલા વિનાશ સાથે સરખાવ્યું છે. ઇમારતની ગુંબજવાળી છત અને બારીઓમાંથી નીકળતી આગની જ્વાળાઓ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
તંત્રની જહેમત અને આર્થિક નુકસાન
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડે ક્લાઇડ નદીમાંથી સીધું પાણી પમ્પ કરવાની ફરજ પડી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ અનેક વ્યવસાયો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. એક જાણીતા કેફે, ફિશ એન્ડ ચિપ શોપ અને હેર સલૂન સહિતના વ્યવસાયો બળીને ખાખ થઈ ગયા છે. 'સેક્સી કોફી' નામની જાણીતી દુકાને ઇન્સ્ટાગ્રામ પર દુઃખ વ્યક્ત કરતા ફરીથી ઊભા થવાનું વચન આપ્યું છે.
મુસાફરો માટે મોટી મુસીબત
ગ્લાસગો સેન્ટ્રલ સ્ટેશન બંધ હોવાને કારણે લંડન અને અન્ય શહેરો તરફ જતી મુસાફરી પર ભારે અસર પડી છે. ટ્રેન સંચાલકોએ મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા શોધવા અથવા મુસાફરી ટાળવા વિનંતી કરી છે. પોલીસ અને ફાયર વિભાગ અત્યારે કાટમાળ ખસેડવાની અને સ્ટેશનની આસપાસની સુરક્ષા તપાસવાની કામગીરી કરી રહ્યા છે. શહેરના રહેવાસીઓ આ પ્રતિષ્ઠિત ઇમારતના નુકસાનથી અત્યંત શોકગ્રસ્ત છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
