News of Tuesday, 10th March 2026
એશિયામાં તેલનું સંકટ ઘેરાયું: ક્યાંક શાળાઓ બંધ તો ક્યાંક ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH), પશ્ચિમ એશિયાના યુદ્ધે એશિયાઈ દેશોની ઉંઘ ઉડાડી
ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે અસ્થિરતા વચ્ચે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ફિલિપાઈન્સે લીધા કડક નિર્ણય; હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધથી વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

બેંગકોક, તા. 10: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા સશસ્ત્ર સંઘર્ષની સીધી અસર હવે સમગ્ર એશિયા ખંડ પર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલા અને ત્યારબાદ તેહરાન દ્વારા કરવામાં આવેલા પલટવારને કારણે વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાયો છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વના શિપિંગ માર્ગો પર દબાણ વધતા તેલના ભાવમાં ભારે ઉથલપાથલ મચી છે. સોમવારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $119 ના સ્તરે પહોંચ્યા બાદ મંગળવારે તે $90 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. આ અનિશ્ચિતતાને પહોંચી વળવા એશિયાના દેશોએ કરકસરના અસાધારણ પગલાં જાહેર કર્યા છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં કટોકટી જેવા હાલ
તેલની તંગીનો સામનો કરવા માટે પાકિસ્તાને બે અઠવાડિયા સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને સરકારી કર્મચારીઓને ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) કરવા જણાવ્યું છે. વડાપ્રધાન શેહબાઝ શરીફે સરકારી ગાડીઓના ઇંધણ ભથ્થામાં 50 ટકાનો કાપ મૂક્યો છે. બીજી તરફ, બાંગ્લાદેશે પણ ઇંધણના વેચાણ પર દૈનિક મર્યાદા લાદી દીધી છે અને વીજળી બચાવવા માટે યુનિવર્સિટીઓ બંધ કરી દીધી છે. બાંગ્લાદેશ પોતાની વીજળી જરૂરિયાતો માટે પશ્ચિમ એશિયાના ગેસ પર નિર્ભર હોવાથી ત્યાં સ્થિતિ વધુ નાજુક બની છે.
ફિલિપાઈન્સમાં ચાર દિવસનું કાર્ય સપ્તાહ
ફિલિપાઈન્સે પરિવહન અને ઇંધણ બચાવવા માટે જાહેર કચેરીઓમાં ચાર દિવસનું કાર્ય સપ્તાહ અમલી બનાવવાની યોજના જાહેર કરી છે. રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે વ્યથા ઠાલવતા કહ્યું કે, "આપણે એવા યુદ્ધનો ભોગ બન્યા છીએ જે આપણી પસંદગીનું નથી." ફિલિપાઈન્સ તેના જરૂરિયાતનું 90 ટકા તેલ મિડલ ઈસ્ટમાંથી આયાત કરે છે. આવી જ રીતે વિયેતનામે પણ ખાનગી ક્ષેત્રને ઘરેથી કામ કરવા પ્રોત્સાહિત કર્યા છે અને તેલ પરના આયાત કર ઘટાડવાની તૈયારી બતાવી છે.
દક્ષિણ કોરિયા, તાઇવાન અને થાઇલેન્ડની રણનીતિ
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગે બજારને સ્થિર રાખવા માટે $67 બિલિયનના ફંડનો ઉપયોગ કરવાની તૈયારી દર્શાવી છે. ત્યાંની સરકારે પેટ્રોલ પંપો પર સંગ્રહખોરી અને ભાવમાં હેરાફેરી કરનારાઓ સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. તાઇવાન અને થાઇલેન્ડમાં ઇંધણના ભાવમાં વધારો થયો હોવા છતાં, સરકારોએ ટેક્સમાં ઘટાડો કરીને અને ભાવની મર્યાદા નક્કી કરીને સામાન્ય જનતા પરનો બોજ ઓછો કરવાનો પ્રયાસ કર્યો છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
