<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ખેતરના સેઢે આપેલું વચન પાળ્યું: સોનીપતમાં ખેડૂતની દીકરીના લગ્નમાં 'મોંઘેરા મહેમાન' બન્યા રાહુલ ગાંધી, દુલ્હનના હાથે ભોજન જમી જીત્યા દિલ!

રાજકીય પ્રોટોકોલ છોડી જમીન પર બેસી મહિલાઓ સાથે ચાની ચુસ્કી લીધી; દીપેન્દ્ર હુડ્ડા પણ રહ્યા હાજર, સોનીપતના ગોહાનામાં જશ્નનો માહોલ.

સોનીપત: રાજકારણના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે જ્યારે કોઈ નેતા વર્ષો જૂનું વચન નિભાવવા સામાન્ય ખેડૂતના આંગણે પહોંચે, ત્યારે તે દ્રશ્યો ભાવુક કરી દે તેવા હોય છે. હરિયાણાના સોનીપત જિલ્લાના ગોહાનામાં આજે કંઈક આવું જ જોવા મળ્યું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત સંજયની પુત્રી તનુના લગ્નમાં હાજરી આપીને માત્ર વચન જ નથી પાળ્યું, પરંતુ ફરી એકવાર સાબિત કર્યું કે સામાન્ય લોકો સાથે તેમનો નાતો કેટલો ઊંડો છે.
દુલ્હને પોતાના હાથે ખવડાવ્યું ભોજન
લગ્નના પવિત્ર અવસરે દુલ્હન તનુના ચહેરા પરની ચમક બમણી થઈ ગઈ હતી. મહેંદી રચેલા હાથોમાં જ્યારે તનુએ રાહુલ ગાંધીને ભોજન પીરસ્યું, ત્યારે સૌ કોઈ આ અદભૂત દ્રશ્ય જોઈ રહ્યા હતા. રાહુલ ગાંધીએ પણ કોઈ પણ સંકોચ વગર અત્યંત સાદગી સાથે દુલ્હનના હાથે ભોજન લીધું હતું. તનુએ ભાવુક થતા કહ્યું, "તેમણે પોતાનું વચન પાળ્યું અને આજે મારા લગ્નમાં આવ્યા, આ મારા માટે સૌથી મોટી ભેટ છે."
જમીન પર બેસી પીધી ચા, ગ્રામીણોએ પહેરાવી પાઘડી
સોનીપતના આ ખેડૂત પરિવાર સાથે રાહુલ ગાંધીનો સંબંધ જૂનો છે. અગાઉ વિધાનસભા ચૂંટણી પહેલા જ્યારે રાહુલ ગાંધી આ ખેતરોમાં ટ્રેક્ટર ચલાવવા અને ડાંગર રોપવા આવ્યા હતા, ત્યારે તેમણે પરિવારને વચન આપ્યું હતું. આજે જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે હરિયાણવી પરંપરા મુજબ ગ્રામજનોએ તેમને 'પાગ' (પાઘડી) પહેરાવી સન્માનિત કર્યા હતા. ખાસ વાત એ હતી કે કોઈ પણ સુરક્ષાના દેખાડા વગર રાહુલ ગાંધીએ ઘરની મહિલાઓ સાથે જમીન પર બેસીને ચા પીધી અને પરિવારના સભ્યની જેમ વાતો કરી હતી.
જૂનું ઋણ અને અતૂટ સંબંધ
આ એ જ પરિવાર છે જેમને થોડા સમય પહેલા ગાંધી પરિવારે દિલ્હીમાં '10 જનપથ' ખાતે જમવા માટે તેડાવ્યા હતા. સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાની હાજરીમાં આ લગ્ન સમારોહ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં પણ પારિવારિક મિલન જેવો ભાસતો હતો. ખેતરમાં ટ્રેક્ટર ચલાવતી વખતે શરૂ થયેલી આ મિત્રતા આજે લગ્નના મંડપ સુધી પહોંચી, જે સોનીપતમાં ચર્ચાનો વિષય બની છે.

(6:52 PM IST)