બાબા કેદારના તેડા આવ્યા! ચારધામ યાત્રા 2026 માટે રજિસ્ટ્રેશનનો ધમધમાટ શરૂ; હવે ઘરે બેઠા કરો મફત નોંધણી, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખુલશે?
ઉત્તરાખંડ સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ કાર્યરત; 17 એપ્રિલથી હરિદ્વાર-ઋષિકેશમાં ઓફલાઈન કાઉન્ટર્સ ખુલશે, લાખો ભક્તોમાં ભારે ઉત્સાહ

દેહરાદૂન : હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર ગણાતી 'ચારધામ યાત્રા 2026' માટેની પ્રતિક્ષા હવે અંત તરફ છે. ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓની સુવિધા માટે 6 માર્ચથી જ નોંધણી પ્રક્રિયાના દ્વાર ખોલી દીધા છે. ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરવા આતુર ભક્તો માટે આ વખતે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેથી યાત્રા દરમિયાન ભીડનું વ્યવસ્થાપન જાળવી શકાય અને દરેક ભક્ત સુરક્ષિત રીતે દર્શન કરી શકે.
ઘરે બેઠા ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?
તમારે હવે નોંધણી માટે ક્યાંય લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. ભક્તો ઉત્તરાખંડ પ્રવાસન વિભાગના સત્તાવાર પોર્ટલ અથવા તેમની મોબાઈલ એપ્લિકેશન દ્વારા સરળતાથી ફોર્મ ભરી શકે છે. તમારે માત્ર તમારા મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવવાનું રહેશે અને ત્યારબાદ વ્યક્તિગત વિગતો ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. સફળ નોંધણી પછી મળતી 'રજિસ્ટ્રેશન સ્લિપ' ડાઉનલોડ કરી તમારી સાથે રાખવી અનિવાર્ય છે.
દ્વાર ખુલવાની તારીખો: ક્યારે થશે મંગલ દર્શન?
આ વર્ષે અખાત્રીજના પવિત્ર પર્વની આસપાસ ચારેય ધામના કપાટ ખુલશે. મંદિર સમિતિ દ્વારા જાહેર કરાયેલી તારીખો મુજબ:
• ગંગોત્રી અને યમુનોત્રી ધામ: 19 એપ્રિલ, 2026
• કેદારનાથ ધામ: 22 એપ્રિલ, 2026
• બદ્રીનાથ ધામ: 23 એપ્રિલ, 2026
ઓફલાઈન નોંધણી અને ફીની વિગત
જે શ્રદ્ધાળુઓ ઓનલાઈન નોંધણી નથી કરાવી શકતા, તેમના માટે 17 એપ્રિલથી ઋષિકેશ, હરિદ્વાર અને દેહરાદૂન ખાતે ઓફલાઈન કાઉન્ટર્સ શરૂ કરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે ઉત્તરાખંડ સરકારે આ નોંધણી પ્રક્રિયા સંપૂર્ણપણે મફત રાખી છે. જો કોઈ વ્યક્તિ રજિસ્ટ્રેશનના નામે પૈસા માંગે, તો શ્રદ્ધાળુઓને તરત જ સત્તાવાળાઓને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે.
યાત્રાના રૂટ પર હેલ્થ ચેકઅપ અને રહેવાની સુવિધાઓ માટે પણ આ વખતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેથી ઊંચાઈવાળા વિસ્તારોમાં ભક્તોને કોઈ તકલીફ ન પડે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
