મુંબઈ એરપોર્ટ પર તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ: બેંગકોકથી લવાયેલ 12 કરોડનું ડ્રગ્સ ઝડપાયું: પાંચ મુસાફરોની ધરપકડ
બેંગકોકથી આવેલા પાંચ મુસાફરો પાસેથી આશરે 12.031 કિલોગ્રામ 'હાઈડ્રોપોનિક વૂડ' મળી આવ્યો

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે ડ્રગ્સ અને સોનાની તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુંબઈ કસ્ટમ્સ ઝોન–3 ના અધિકારીઓએ 3 માર્ચથી 10 માર્ચ 2026 દરમિયાન હાથ ધરેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં બેંગકોકથી ભારત લવાયેલું 12 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ અને લાખોનું સોનું ઝડપી પાડ્યું છે. આ મામલે પાંચ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્ક સાથે સંકળાયેલા હોવાની આશંકા છે.
કસ્ટમ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિગતો અનુસાર, એરપોર્ટ કસ્ટમ્સની ટીમે 'એડવાન્સ પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ' (APIS) અને શંકાસ્પદ હિલચાલના આધારે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન બેંગકોકથી આવેલા પાંચ મુસાફરો પાસેથી આશરે 12.031 કિલોગ્રામ 'હાઈડ્રોપોનિક વૂડ' (ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો) મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 12 કરોડ 3 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ નશીલા પદાર્થોને અત્યંત સાવચેતીપૂર્વક છુપાવવામાં આવ્યા હતા. આ તમામ સામે NDPS એક્ટ, 1985 હેઠળ ગુનો નોંધી જેલભેગા કરાયા છે.
માત્ર ડ્રગ્સ જ નહીં, પરંતુ સોનાની હેરાફેરીના ત્રણ અલગ-અલગ કિસ્સામાં 409 ગ્રામ સોનું પણ જપ્ત કરાયું છે, જેની કિંમત આશરે 59 લાખ 57 હજાર રૂપિયા છે. અન્ય એક ઘટનામાં વધુ 499 ગ્રામ ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ થઈ છે. એરપોર્ટ પર તસ્કરીના વધતા કિસ્સાઓને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. હાલ કસ્ટમ્સ વિભાગ આ આખા નેટવર્કના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા માટે ઊંડી તપાસ કરી રહ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
