<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

મોંઘવારી કે મંદી? મધ્ય પૂર્વના યુદ્ધે એશિયાઈ કેન્દ્રીય બેંકોને મૂકી 'ધર્મસંકટ'માં; RBI વ્યાજદરમાં વધારો ટાળશે પણ ડોલર સામે રૂપિયો બચાવવા મેદાને ઉતરશે!

તેલના આંચકાથી 'સ્ટેગફ્લેશન'નો ખતરો વધ્યો: જાપાન, દક્ષિણ કોરિયા અને ભારત જેવા તેલ આયાતકારો માટે આર્થિક ગણિત ખોરવાયું; IMFની ચેતવણી - "અકલ્પ્ય પરિસ્થિતિ માટે તૈયાર રહો."

મુંબઈ : મધ્ય પૂર્વમાં ભભૂકેલી યુદ્ધની જ્વાળાઓએ હવે એશિયાની કેન્દ્રીય બેંકોની ઉંઘ હરામ કરી દીધી છે. તેલના પુરવઠામાં સર્જાયેલા આંચકાએ બેંકો માટે એક એવો પડકાર ઉભો કર્યો છે જ્યાં એક બાજુ ફુગાવો (મોંઘવારી) ડામવાની જવાબદારી છે અને બીજી બાજુ અર્થતંત્રની વૃદ્ધિ જાળવી રાખવાનું દબાણ છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) સહિત એશિયાની અનેક બેંકો અત્યારે "સ્ટેગફ્લેશન" (જ્યારે વિકાસ દર ઘટે અને મોંઘવારી વધે) ના જોખમનો સામનો કરી રહી છે.
ભારતની વ્યૂહરચના: વૃદ્ધિ પર નજર અને રૂપિયા પર પહેરો
ભારતીય રિઝર્વ બેંક માટે અત્યારે સૌથી મોટો પડકાર નબળો પડતો રૂપિયો છે. યુએસ-ઈરાન યુદ્ધના કારણે રોકાણકારો સુરક્ષિત ગણાતા ડોલર તરફ દોડી રહ્યા છે, જેના કારણે એશિયન ચલણો તૂટી રહ્યા છે. અર્થશાસ્ત્રીઓના મતે, RBI નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં વધારો કરવાનું ટાળશે જેથી દેશનો વિકાસ દર જળવાઈ રહે. પરંતુ, ડોલર સામે રૂપિયાને પતિત થતો રોકવા માટે RBI ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કરીને તરલતા (Liquidity) જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
જાપાન અને દક્ષિણ કોરિયા પર સંકટના વાદળો
જે દેશો મેન્યુફેક્ચરિંગ પર નિર્ભર છે, જેમ કે જાપાન અને દક્ષિણ કોરિયા, તેમના માટે સ્થિતિ વધુ ગંભીર છે. જાપાનમાં ફુગાવો છેલ્લા ચાર વર્ષથી લક્ષ્યાંક કરતા વધુ છે, તેથી બેંક ઓફ જાપાન પાસે વ્યાજદર વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જો તેલના ભાવ $110 પર ટકી રહેશે, તો જાપાનના વિકાસ દરમાં 0.39% નો મોટો ઘટાડો થઈ શકે છે. દક્ષિણ કોરિયા પણ જો મોંઘવારી વધશે તો આક્રમક વલણ અપનાવવાની તૈયારીમાં છે.
IMFની આકરી ચેતવણી
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ટોક્યોમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, જો તેલના ભાવમાં 10% નો વધારો આખું વર્ષ ચાલુ રહેશે, તો વૈશ્વિક ફુગાવામાં 0.40% નો વધારો થશે. તેમણે એશિયાના નીતિ નિર્માતાઓને સલાહ આપી છે કે, "હવે એવું વિચારો જે પહેલા ક્યારેય વિચાર્યું ન હોય (Think the unthinkable) અને ગમે તેવી ખરાબ આર્થિક પરિસ્થિતિ માટે તૈયાર રહો."
વૈશ્વિક બજારોમાં ડોલર મજબૂત થતા અને તેલના ભાવ વધતા, એશિયાની કેન્દ્રીય બેંકો માટે હવે પછીના વ્યાજદરના નિર્ણયો કોઈ જોખમી ખેલથી કમ નહીં હોય.

(9:15 PM IST)