હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કુદરતનો બેવડો મિજાજ: કાળઝાળ ગરમી વચ્ચે દેશના 14 રાજ્યોમાં તોફાની વરસાદની એન્ટ્રી; 50 ની ઝડપે પવન ફૂંકાશે અને વીજળીના કડાકા સાથે કરા પડવાની આગાહી!
બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલ સહિતના રાજ્યોમાં IMDનું એલર્ટ; દિલ્હીમાં 14 માર્ચ સુધી વાદળછાયું આકાશ રહેશે, જ્યારે રાજસ્થાન અને યુપીમાં પારો 36 ડિગ્રીને પાર પહોંચતા ગરમીનો પ્રકોપ વધશે.

નવી દિલ્હી : ભારતના અનેક ભાગોમાં અત્યારે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ (IMD) એ એક મોટી ચેતવણી જારી કરી છે. આગામી 24 કલાકમાં દેશના 14 રાજ્યોમાં હવામાન પલટો આવવાની શક્યતા છે. બિહાર અને ઝારખંડથી લઈને પહાડી રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આ ફેરફારને કારણે ક્યાંક લોકોને ગરમીથી રાહત મળશે, તો ક્યાંક તોફાની પવન મુશ્કેલી ઉભી કરી શકે છે.
દિલ્હી-NCR માં વાદળછાયું વાતાવરણ
રાજધાની દિલ્હીમાં આવતીકાલે એટલે કે 11 માર્ચે આકાશ વાદળછાયું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 14 માર્ચ સુધી દિલ્હીમાં હળવો વરસાદ કે છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. જોકે, આ રાહત લાંબો સમય નહીં ટકે, કારણ કે 15 માર્ચથી દિલ્હીમાં ગરમીનું મોજું (Heat wave) ફરી વળશે અને તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
પહાડી રાજ્યોમાં વરસાદ અને કરાની આગાહી
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવતીકાલથી વરસાદી માહોલ જામશે. શિમલા, કુલ્લુ અને મનાલી જેવા પ્રવાસન સ્થળોએ પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઉત્તરાખંડમાં 11 થી 15 માર્ચ દરમિયાન સતત વરસાદની શક્યતા છે, અને ઉંચાઈવાળા વિસ્તારોમાં કરા પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ તોફાની પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું એલર્ટ જારી કરાયું છે.
બિહાર-ઝારખંડમાં મેઘરાજાની એન્ટ્રી, રાજસ્થાન-MP માં શેકાવું પડશે
બિહારના પટના સહિત પશ્ચિમ અને પૂર્વ ચંપારણ જેવા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. બીજી તરફ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળશે. રાજસ્થાનના જેસલમેર અને બાડમેર જેવા વિસ્તારોમાં તીવ્ર ગરમી પડશે, જ્યારે મધ્યપ્રદેશના ભોપાલ અને ગ્વાલિયરમાં પણ પારો ઉંચકાશે. યુપીના મેરઠ અને આગ્રા જેવા શહેરોમાં પણ ગરમીનો પ્રકોપ વધવાની ધારણા છે.
પૂર્વોત્તર ભારતમાં પણ સાવચેતીની ચેતવણી
આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં 11 થી 14 માર્ચ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા વખતે સુરક્ષિત સ્થળે રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
