હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બંગાળ જીતવા ભાજપનો ‘માસ્ટર પ્લાન’: દિલ્હીમાં શાહ-નવીનની મેરેથોન બેઠક : મમતાના ગઢમાં ગાબડું પાડવા રણનીતિ તૈયાર
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકન પર અંતિમ મહોર મારવા ભાજપ કોર ગ્રુપની બેઠક : જે.પી. નડ્ડાના ટીએમસી પર આકરા પ્રહાર- ‘બંગાળમાં કાયદો ગાયબ છે અને લોકશાહી જોખમમાં છે’

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં સત્તાના સિંહાસન કબજે કરવા માટે ભાજપે અત્યારથી જ પોતાની તમામ તાકાત ઝોંકી દીધી છે. બુધવારે બપોરે ૩ વાગ્યે દેશની રાજધાની દિલ્હીમાં ભાજપ કોર ગ્રુપની એક અત્યંત મહત્વની બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ પ્રમુખ નીતિન નવીન બંગાળના સ્થાનિક નેતાઓ સાથે સીધો સંવાદ કરશે. બેઠકનો મુખ્ય એજન્ડા વિધાનસભા ચૂંટણી માટે મજબૂત ઉમેદવારોના નામાંકન નક્કી કરવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ આ વખતે એવા ચહેરાઓ પર દાવ ખેલવાની તૈયારીમાં છે જે સ્થાનિક સ્તરે ટીએમસીના ગઢને તોડી શકે અને બંગાળના બદલાયેલા રાજકીય સમીકરણોમાં ફિટ બેસી શકે.
રાજકીય પારો ત્યારે વધુ ગરમાયો જ્યારે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ મંગળવારે ટીએમસી સરકાર પર આકરા પ્રહારો કર્યા. નડ્ડાએ ગંભીર આરોપ લગાવ્યો કે બંગાળમાં અત્યારે કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ રહ્યું નથી અને મમતા બેનર્જીની સરકાર ન્યાયતંત્ર કે ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત સંસ્થાઓનું જરાય સન્માન કરતી નથી. ટીએમસી નેતા સુખેન્દુ શેખર રાય દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપતા નડ્ડાએ કહ્યું કે, રાજ્યની હાલની સ્થિતિ માટે બંગાળ સરકાર પોતે જવાબદાર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જ્યાં લોકશાહી પ્રક્રિયાઓનું અપમાન થતું હોય અને રાજકીય શિષ્ટાચાર નેવે મૂકાયા હોય ત્યાં કેન્દ્ર સરકાર કાયદાના શાસન મુજબ કડક પગલાં લેવા માટે મજબૂર છે.
વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે જે.પી. નડ્ડાએ મમતા બેનર્જી દ્વારા રાષ્ટ્રપતિના કથિત અપમાનનો મુદ્દો છેડ્યો. તેમણે કહ્યું કે એક મહિલા મુખ્યમંત્રી હોવા છતાં તેમણે દેશના સર્વોચ્ચ મહિલા રાષ્ટ્રપતિનું અપમાન કર્યું છે, જે દેશ ક્યારેય સહન નહીં કરે. બંગાળમાં છેલ્લા પાંચ દિવસથી મમતા બેનર્જી રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જેનો ઉલ્લેખ કરતા ભાજપના નેતાઓએ તેને તપાસ એજન્સીઓના ડરથી બચવાનો એક પેંતરો ગણાવ્યો છે. હવે જોવાનું એ રહેશે કે દિલ્હીમાં મળનારી આ બેઠક બાદ ભાજપ કયા 'ટ્રમ્પ કાર્ડ' બહાર પાડે છે અને બંગાળના આ ચૂંટણી જંગમાં ઉંટ કઈ કરવટ બેસે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
