હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝારખંડ લિકર કૌભાંડ: ACBની સુસ્તી બાદ EDનો એક્શન પ્લાન, 150 કરોડના ભ્રષ્ટાચારમાં સકંજો કસાયો
ખોટી બેંક ગેરંટી અને છત્તીસગઢ સિન્ડિકેટ સાથેની મિલીભગત મામલે 6 મોટા અધિકારીઓને સમન્સ: પૂર્વ સચિવ વિનય ચૌબેના કાર્યકાળના કાળા ચિઠ્ઠા ખુલશે

રાંચી: ઝારખંડના બહુચર્ચિત દારૂ કૌભાંડમાં એન્ટી કરપ્શન બ્યુરો ની તપાસ ધીમી પડતા હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આક્રમક મોરચો સંભાળ્યો છે. EDએ એક્સાઇઝ વિભાગના તત્કાલીન જીએમ સુધીર કુમાર દાસ અને સિનિયર એકાઉન્ટન્ટ નવેન્દુ શેખર સહિત અડધો ડઝન અધિકારીઓને 12 થી 15 માર્ચ દરમિયાન પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ મામલે ECIR 10/2025 હેઠળ તપાસ તેજ કરાઈ છે, જેમાં પ્લેસમેન્ટ એજન્સીઓને નકલી બેંક ગેરંટીના આધારે કોન્ટ્રાક્ટ આપીને સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાનો ગંભીર આરોપ છે.
તપાસમાં બહાર આવ્યું છે કે પૂર્વ મુખ્ય સચિવ વિનય કુમાર ચૌબેના કાર્યકાળ દરમિયાન 'માર્શન ઇનોવેટિવ' અને 'વિઝન' જેવી એજન્સીઓને અયોગ્ય રીતે ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો. આ કૌભાંડમાં છત્તીસગઢના લિકર સિન્ડિકેટની સીધી સંડોવણી હોવાનું ખૂલ્યું છે. નવાઈની વાત એ છે કે ACB એ અગાઉ 17 આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ સમયસર ચાર્જશીટ દાખલ ન થવાને કારણે તમામ આરોપીઓને 'ડિફોલ્ટ જામીન' મળી ગયા, જેના કારણે હવે ED એ પુરાવાઓ એકત્રિત કરવાની જવાબદારી પોતે ઉપાડી છે.
શરૂઆતમાં આ છેતરપિંડી ₹38 કરોડની મનાતી હતી, પરંતુ ઊંડી તપાસ બાદ આંકડો ₹150 કરોડને પાર કરી ગયો છે. ED હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ભ્રષ્ટાચારના આ નાણાં કયા નેતાઓ અને વગદાર અધિકારીઓ સુધી પહોંચ્યા છે. આગામી સપ્તાહે થનારી પૂછપરછમાં અનેક મોટા નામો પરથી પડદો ઊંચકાય તેવી પૂરી શક્યતા છે, જેને પગલે ઝારખંડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
